બજેટસત્રનો પ્રારંભ કરનારા ભાષણમાં રાજ્ય સરકારનું વલણ માંડ્યું: ૬૦૦ રોજગાર મેળાવડા, ૭૫,૦૦૦ સરકારી નોકરી, ૧.૨૫ લાખ ખાનગી નોકરી સાથે ૪૫ કંપની સાથે સમજૂતીના કરાર
—
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય સરકારના ૨૦૨૩ના વર્ષના પહેલા વિધાનસભા અધિવેશનનો પ્રારંભ સોમવારે થયો તેમાં બધાનું સ્વાગત કરું છું એમ જણાવતાં રાજ્યપાલ રમેશ બૈસે બંને સભાગૃહને કરવામાં આવેલા સંયુક્ત ભાષણમાં સીમાવિવાદને ઉકેલવા અને ૭૫,૦૦૦ રોજગાર આપવા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે રાજ્યમાં ૬૦ રોજગાર મેળાવડા યોજવામાં આવશે.
તેમણે પોતાના ભાષણની શરૂઆતમાં છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા જ્યોતિરાવ ફૂલે, છત્રપતિ શિવાજી મહારાજ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે ૧૯ ફેબ્રુઆરીથી રાજ્યગીત તરીકે જય જય મહારાષ્ટ્ર માઝાને સ્વીકારી લીધું છે.
તેમણે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ સંબંધે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા ખટલામાં મહારાષ્ટ્ર પોતાનો પક્ષ મજબૂતીથી માંડશે. આવી જ રીતે સરકારે સીમા ભાગમાં વસતા મરાઠીભાષીઓ માટે વિવિધ કલ્યાણકારી યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે તેનો પણ અમલ શરૂ થઈ ગયો છે.
કોવિડકાળમાં સત્તાની સ્થાપના થયા બાદ રાજ્યનું અર્થતંત્ર પુનર્જિવિત કરવા અને યુવાનોને રોજગાર આપવાની સરકારની પ્રાથમિકતા હતી એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ભારતના સ્વાતંત્ર્યને ૭૫મા વર્ષને ધ્યાનમાં રાખીને ૭૫,૦૦૦ સરકારી ભરતી ચાલુ કરી છે.
સરકારે જે મરાઠા ઉમેદવારો સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે અસરગ્રસ્ત થયા હતા તેમને માટે ૧,૫૫૩ પદો નિર્માણ કરવા માટે વિશેષ કાયદો કર્યો છે.
૨૦૨૨-૨૩ના વર્ષમાં મૂડીલક્ષી રોકાણ માટે રાજ્ય સરકારને રૂ. ૮,૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી તેને માટે વડા પ્રધાન અને કેન્દ્ર સરકારનો આભાર માનતાં તેમણે કહ્યું હતું કે આ રકમમાંથી સરકારે અત્યાર સુધીમાં રૂ. ૫,૮૮૪ કરોડ મંજૂર કરાવીને તેની યોજનાઓ ચાલુ કરાવી નાખી છે.
આગામી વર્ષમાં રાજ્યમાં ૬૦૦ રોજગાર મેળાવડાનું આયોજન કરવામાં આવશે ૧.૨૫ લાખ રોજગાર નિર્માણ માટે ૪૫ કંપનીઓ સાથે સમજૂતીના કરાર કરવામાં આવ્યા છે.
૨૪ પ્રોજેક્ટના ૮૭,૭૭૪ કરોડના રોકાણના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે અને તેમાંથી ૬૧,૦૦૦ લોકોને નોકરી મળશે.
પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના હેઠળ ૪.૮૫ લાખ યુવકો અને ૨.૮૧ લાખ ખેડૂતોને સફળ તાલીમ આપવામાં આવી છે અને રાજ્યમાં બે આઈટીઆઈ ચાલુ કરીને ૧૦૦૦થી વધુ આઈટીઆઈને તાલીમ આપવાનો પ્રશિક્ષણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
સરકારે સ્વાતંત્ર્ય સેનાની અને તેમના પતિ/પત્નીને આપવામાં આવતું પેન્શન રૂ. ૧૦,૦૦૦થી વધારીને રૂ. ૨૦,૦૦૦ કર્યું છે જેનો લાભ ૫,૪૦૬ સ્વાતંત્ર્યસેનાની પરિવારને મળશે, એમ પણ તેમણે કહ્યું હતું.
આવી જ રીતે મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદમાં શહીદ થયેલા લોકોના કાયદેસરના વારસને આપવામાં આવતા પેન્શનને વધારીને રૂ. ૧૦,૦૦૦થી રૂ. ૨૦,૦૦૦ કરવામાં આવ્યું છે. ઈમરજન્સીના સમયમાં લડત આપનારાનું સન્માન કરવાની યોજના ફરી શરૂ કરવામાં આવી છે અને આવા ૪,૪૩૮ લોકોને ફાયદો થશે.
ભારતના જીડીપીમાં મહારાષ્ટ્રનો હિસ્સો ૧૪.૨ ટકા છે. ભારતની નિકાસના કુલ ૧૭.૩ ટકા મહારાષ્ટ્રમાંથી થાય છે. દેશનું અર્થતંત્ર ૨૦૨૬-૨૭માં પાંચ ટ્રિલિયન પર પહોંચાડવાના લક્ષ્યમાં મહારાષ્ટ્રના અર્થતંત્રને એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, એમ પણ રાજ્યપાલે કહ્યું હતું.
રાજ્યપાલને પરંપરાગત સલામી આપવામાં આવી હતી. તેમનું સ્વાગત કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર, વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકર નીલમ ગોરે, વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવાળ તેમ જ સંસદીય બાબતોના પ્રધાન ચંદ્રકાંત પાટીલ હાજર હતા.