શિવાજી મહારાજ જેવી વિભૂતિઓનું અપમાન કરવાનું સપનેય વિચારી ન શકું
મુંબઈ: મહારાષ્ટ્રના ગવર્નર કોશ્યારીએ કેન્દ્રીયપ્રધાન અમિત શાહને સોમવારે એક પત્ર લખીને જાણ કરી હતી કે છત્રપતિ શિવાજી મહારાજ જેવી વિરલ વિભૂતિઓનું અપમાન કરવાનું તો હું સપનામાં પણ વિચારી ન શકું.
છત્રપતિ શિવાજી મહારાજ જૂના સમયના પ્રતીક છે એવી તેમની ટિપ્પણી માટે ગવર્નરને વિપક્ષની આલોચનાનો સામનો કરવો પડ્યો હતો અને આ જ કારણથી તેમને પદ પરથી હટાવવાની પણ માગ કરવામાં આવી છે.
છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ અને શ્રી ગુરુગોવિંદ જેવી મહાન વિભૂતિઓનું અપમાન કરવાનું સપનામાં પણ કલ્પના કરી શકતો નથી. તમને ખયાલ છે કે જો મારાથી અજાણતા પણ ભૂલ થઇ હોય તો હું એ માટે દિલગીર છું. ગવર્નરે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની તેમનું નામ લીધા વિના ઝાટકણી કાઢી હતી.
કેટલાક લોકોએ યુનિવર્સિટીમાં મારા સમગ્ર ભાષણનો એક ભાગ ટીકાના સંદર્ભમાં લીધો હતો. ભૂતકાળનાં પ્રતીકોના સંદર્ભ સાથે હું વર્તમાન પ્રસિદ્ધ વ્યક્તિઓને રજૂ કરી રહ્યો હતો જે યુવાનો માટે પ્રેરણા બની શકે છે, એવું તેમણે વધુમાં કહ્યું હતું.
(પીટીઆઈ)