ના, કોઈ ભૌગોલિક ફેરફાર થવાનો નથી, પરંતુ માણસે માળખાકીય-બાંધકામ ક્ષેત્રે કરેલી પ્રગતિના ભાગરૂપે આ બન્ને ખૂબ જ મહત્વના શહેરો વચ્ચેનો રોડ ટ્રાવેલ ટાઈમ ઘટવાનો છે. જો બધુ સમુસૂતરું પાર પડશે તો અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી દિલ્હીનું અંતર લગભગ અડધું થઈ જશે. દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વે સાથે જ્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને અમદાવાદ-વડોદરા નેશનલ હાઈ વેને જોડવામાં આવશે. આ એકસપ્રેસ વે શરૂ થશે ત્યારે દિલ્હી અને મુંબઈ વચ્ચેનો રોડ ટ્રાવેલ ટાઈમ 24માંથી 12 કલાક થશે.
જ્યારે મન થાય ત્યારે મુંબઈ ગાડી હંકારી જતા અમદાવાદીઓની પણ ત્રણ કલાક બચશે. આ એકસપ્રેસ વે પર ગાડી ચલાવવાની ઝડપની મર્યાદા કિલોમીટરદીઠ 120ની રહેશે. અમદાવાદ અને દિલ્હી વચ્ચેનો ટ્રાવેલ ટાઈમ પણત્રણેક કલાક જેટલો ઘટશે. હાલમાં 16થી 17 કલાક અમદાવાદથી દેશની રાજધાની પહોંચતા થાય છે. ફેબ્રુઆરી મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-ડોસા વચ્ચેના નેશનલ હાઈ વે-4ના એક છેડાને ખૂલ્લો મૂક્યો હતો, જેનાથી જયપુર અને દિલ્હી વચ્ચેનો ટ્રાવેલટાઈમમાં અડધોઅડધ ઘટાડો થયો છે. હવે સોહના-વડોદરા વચ્ચેના હાઈ વેનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
વડોદરાથી અંકલેશ્વર વચ્ચેનું કામ પૂરું થવા આવ્યું છે. જોકે ભરૂચ નજીકના પટ્ટામાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ વળતરને લઈને હોવાથી તેને જલદીથી નિપટાવવામાં આવશે, તેમ અધિકારીઓનું કહેવાનું છે. 2024ના જાન્યુઆરી સુધીમાં કામ પૂરું થવાની આશા અધિકારીઓને છે. વળી, આ વર્ષ લોકસભાની ચૂંટણીનું પણ હોવાથી સરકાર પ્રોજેક્ટ્સ પૂરા કરવા પર વધારેધ્યાન આપશે ત્યારે લગભગ આવતા વર્ષથી અમદાવાદ,વડોદરા અને મંબઈના કારચાલકોને આ ભેટ મળે તેવી પૂરી સંભાવના છે.