દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ(AI)ની બોલબાલા વધી રહી છે ત્યારે બીજી તરફ તેના ખતરા વિષે પણ ચર્ચા થઇ રહી છે. એવામાં OpenAI CEO સેમ ઓલ્ટમેને મંગળવારે યુએસ સેનેટની જ્યુડિશિયરી કમિટી પેનલ સમક્ષ નિવેદન આપ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આ સમયે દુનિયા પર છવાઈ જવા માટે તૈયાર છે અને તે ટૂંક સમયમાં જ AI દુનિયામાં મોખરે હશે.
સિલિકોન વેલીમાં એક દાયકાથી વધુ સમયથી હાજરી સાથે, OpenAI CEO સેમ ઓલ્ટમેન ટેક ટાઇટન તરીકે ઉભરી રહ્યા છે. તેમની કંપનીએ Chat GPT બનાવીને દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે. ઓલ્ટમેને AIની અસર અંગે યુએસ સેનેટની સુનાવણીમાં જણાવ્યું કે, ‘અમને લાગે છે કે આ ઝડપથી ઉભરી રહેલા AIના શક્તિશાળી મોડલના જોખમોને ઘટાડવા માટે સરકારો દ્વારા નિયમનકારી હસ્તક્ષેપ જરૂરી છે.’
ઓલ્ટમેને સેનેટના સભ્યોને કહ્યું કે તેઓ ચિંતિત છે કે AI લોકશાહી પ્રણાલી પર પણ અસર કરી શકે છે. ચિંતા એ છે કે ચૂંટણી સમયે AIનો ઉપયોગ કરીને ટાર્ગેટ ઓડિયન્સ સુધી અડધી-અધૂરી માહિતી મોકલી શકાય છે.
ઓલ્ટમેને કહ્યું કે તેઓ OpenAI થી પૈસા કમાતા નથી અને તેઓએ આ કામ નૈતિક રીતે માનવતાને ઓછી સભાન કંપનીઓથી બચાવવા માટે કર્યું છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ચેટજીપીટીનો ઉપયોગ કરે છે ત્યારે કંપનીનું ફંડ ખર્ચ થાય છે.
સેમ ઓલ્ટમેનને મીટીંગમાં AI દ્વારા બનાવવામાં આવી રહેલી તસવીરો પર પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ કોપીરાઈટના મુદ્દે કામ કરી રહ્યા છે. જે કલાકારોની કળાનો ઉપયોગ AI દ્વારા કરવામાં આવ્યો છે તેમને વળતર આપવા તેઓ તૈયાર છે.
ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને જણાવ્યું હતું કે AIમાં માનવતા સામેના કેટલાક સૌથી મોટા પડકારોને ઉકેલવાની ક્ષમતા છે, જેમ કે ક્લાઈમેટ ચેન્જ અને કેન્સર નિદાન. તે જ સમયે, ઓલ્ટમેને સ્વીકાર્યું કે AI ની પ્રગતિ ચોક્કસપણે નોકરીઓ પર અસર કરશે.
નોંધનીય છે કે 2015 માં, ઓલ્ટમેને ટેસ્લાના વડા એલોન મસ્ક અને અન્ય લોકો સાથે OpenAIની શરૂઆત કરી હતી.