બોરીવલીના ગોરાઇમાં આવેલ કલ્વેમ તળાવના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ કામના વિરોધમાં ગામની 150 મહિલાઓ એક સાથે રસ્તા પર આવીને વિરોધ કરી રહી છે. ગામના લોકોનો આક્ષેપ છે કે સ્થાનિક ધારાસભ્ય સુનિલ રાણે દ્વારા આ કામ હાથ ધરવામાં આવ્યું છે. જેનો ગામમાંથી પૂરજોશમાં વિરોધ થઇ રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કલ્વેમ તળાવનું બ્યુટિફિકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેને કારણે તળાવના પાણીના મોટા ભાગને અસર પહોંચશે અને તેની માઠી અસર ગામલોકો પર થશે. કારણ કે આ ગામના લોકો આ તળાવના પાણીની મદદથી નાની-નાની ખેતી કરે છે, આ જ તળાવનો ઉપયોગ કપડાં ધોવા માટે, માછલી પકડવા માટે ગામલોકો કરે છે. આ ખોદકામને કારણે ગામલોકોને પાણી મળતું બંધ થઇ જશે તેવો તેમનો આક્ષેપ છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મપજબ હાલમાં અહીં 150 જેટલી મહિલાઓ એકઠી થઇને જે ખાડો ખોદવામાં આવ્યો છે તે પૂરવાનું કામ કરી વિરોધ કરી રહી છે. તેમણે ગામ લોકોને કહ્યું પણ છે કે તેઓ ત્યાં માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા ભેગા થયા છે. આ અંગે અધિકારીઓ ગામના લોકો સાથે સવિસ્તર વાત કરશે. એક વેબ પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ R/સેન્ટ્રલના વોર્ડ ઓફિસર સંધ્યા નાંદેકરએ આ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણ માત્ર એટલું કહ્યું કે આ કામ પાલિકા દ્વારા હાથ ધરવામાં નથી આવ્યું. પણ મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
@CPMumbaiPolice @mpcb_official @AdarshReddyIFS @CollectorMsd @moefcc please stop destruction of wetland, waterbody in Gorai Culvem . This is a violation of orders of the Hon’ble Supreme Court and Hon’ble High Court of Bombay. Stop work immediately till Wetland Committee decides. pic.twitter.com/PuV8NFzytb
— Stalin (@GreenStalin) April 5, 2023
સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમણે આવા કોઇ બ્યુટિફિકેશનની માંગણી કરી નથી. તેમનું કહેવું છે કે તળાવ જેવું છે એવું જ એમને જોઇએ છે. આ વર્ષો જૂનું તળાવ છે અને એની સંભાળ અમે એટલે કે સ્થાનિક ખેડૂતો, માછીમારો અને ગામ લોકો રાખીશું જ. તેમણે વધુમાં જણાવ્યું કે આ કામ અંગે અમે પાલિકાને ઘણાં પત્રો લખ્યા છે પણ હજી સુધી એનો કોઇ જવાબ આવ્યો નથી. આ કામ ધારાસભ્યના આદેશ અનુસાર થઇ રહ્યું હોવાની વિગતો જ જાણવા મળી છે. વોચડોગ ફાઉન્ડેશનના હેડ ગોડફ્રે પીમેન્ટાએ જણાવ્યું હતું કે ગામ લોકો ઇચ્છે છે કે ધારાસભ્યની હાજરીમાં ગ્રામસભા યોજાય. જેથી તે સમજાવી શકે કે આ કામ કેમ હાથ ધરવામાં આવ્યું છે. આ કામનો ફાયદો માત્ર ને માત્ર નજીકના રિસોર્ટ ધારકોને જ થવાનો છે. સ્થાનીકોને તેનાથી કોઇ ફાયદો નથી. આજ સુધી એ વાત ખબર નથી પડી કે આ પ્રોજેક્ટ માટે ફંડીગ કોણ કરી રહ્યું છે અને કોના કહેવાથી આ કામ થઇ રહ્યું છે.