મુંબઈ: મુંબઈમાં ૨૬/૧૧ના પાકિસ્તાની આતંકવાદી હુમલામાં નરીમાન હાઉસ ખાતે જેનાં માતા-પિતા માર્યા ગયાં હતાં તે ‘બૅબી મોશે’ના કાકા મોશે હોલ્ટ્ઝબર્ગે કહ્યું છે કે ત્રાસવાદના અંધારાનો જવાબ સાલસતા અને દયાનો પ્રકાશ છે.
મુંબઈ સહિત દેશ આખામાં અરેરાટી મચાવનારા આતંકવાદી હુમલાને ૧૪ વર્ષ થયાં છે, પરંતુ હોલ્ટ્ઝબર્ગ પરિવાર પ્રેમ અને દયાના તેમના ધ્યેય માટે અનેક લોકો માટે પ્રેરણારૂપ રહ્યો છે.
૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ આતંકી હુમલા સમયે બૅબી મોશે બે વર્ષનો હતો. કોલાબામાં નરીમાન હાઉસ (છાબડ હાઉસ) ખાતે મોશેનાં વડીલો રબ્બી ગેવરિયલ અને રિવકા હોલ્ટ્ઝબર્ગ તથા ચાર મુલાકાતીઓ પાકિસ્તાની આતંકવાદીઓના હુમલામાં માર્યા ગયાં હતાં, જ્યારે ભારતીય નાની સેન્ડ્રા સમ્યુઅલે તેને બચાવી લીધો હતો.
બૅબી મોશે અત્યારે ૧૬ વર્ષનો છે અને અફુલાના ઈઝરાયલી શહેરમાં ભણી રહ્યો છે. મોટા ભાગનો સમય તે દાદા-દાદી અને નાના-નાની સાથે વિતાવે છે. તેના કાકા મોશે હોલ્ટ્ઝબર્ગ યુએસમાં રહે છે. તેણે શુક્રવારે સોશિયલ મીડિયાના માધ્યમથી મુલાકાત આપી હતી.
હોલ્ટ્ઝબર્ગે બૅબી મોશે સાથે નરીમાન હાઉસ અને કોલાબા માર્કેટમાં વિતાવેલા સમયને યાદ કર્યો હતો. અમે તને એકતાનું પ્રતીક તરીકે જોઈએ છીએ અને તેનાં માતા-પિતાનો ધ્યેય તે આગળ લઈ જાય તે માટે ઇશ્ર્વર તેને શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ, એમ તેમણે જણાવ્યું હતું.
૩૩ વર્ષનો હોલ્ટ્ઝબર્ગ રબ્બીનો નાનો ભાઈ છે. મુંબઈ પર આતંકવાદી હુમલાને અનેક વર્ષ વીતી ગયાં છે. બદ્નસીબે હજુ પણ આતંકી હુમલાઓ ચાલુ છે. બે દિવસ પૂર્વે જેરુસલેમમાં આતંકી હુમલો થયો હતો, એમ તેમણે કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે અમે માનીએ છીએ કે આતંકનો અંધકાર એ ભલાઈ અને દયાનો પ્રકાશ છે. મોશે માટે ભારત તેનું ઘર છે. કોઈ પણ આતંકવાદી હુમલો તેને તેના ઘરમાંથી બહાર નહીં કાઢી શકે. નરીમાન હાઉસ તેનું ઘર છે. મુંબઈ તેનું શહેર છે અને ભારત તેનો દેશ છે.
મોશેની ભારતીય નાની સેમ્યુઅલ હવે જેરુસલેમમાં સમાજસેવાનાં કામો સાથે સંકળાયેલી છે. તેણે ઉગારી લીધેલા બૅબી મોશેને મળવા તે છાશવારે આવે છે, એમ હોલ્ટ્ઝબર્ગે કહ્યું હતું. ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ પાકિસ્તાનથી આવેલા લશ્કર-એ-તૈબાના ૧૦ આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો, જેમાં ૧૬૬ જણે જીવ ગુમાવ્યા હતા. આ હુમલામાં અનેક જણ ઘવાયા હતા. (પીટીઆઈ)