શિવરાત્રિના તહેવારમાં ‘રાત્રિ’નું શું મહત્ત્વ છે?
પ્રાસંગિક -મુકેશ પંડ્યા
ભારતના બે મોટા તહેવારો એવા છે જેમાં રાત્રિનું મહત્ત્વ વધી જાય છે. એક નવરાત્રિ અને બીજો શિવરાત્રિ. નવરાત્રિમાં આસો મહિનાની પ્રથમ નવ રાત્રિઓ દરમ્યાન રાત્રે શક્તિની આરાધના થાય છે, તો શિવરાત્રિમાં દર મહિનાની વદ ચૌદશે રાત્રિના સમયે શિવની આરાધના થાય છે. એમાંય મહા મહિનાની શિવરાત્રિ વધુ મહત્ત્વ ધરાવે છે જે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે. અધ્યાત્મ પંથે આગળ વધનારાઓ, સાધુ-સંતો અને યોગીઓ તો દરેક મહિનાની શિવરાત્રિએ રાતના સમયે જાગરણ કરીને શિવની પૂજામાં રત રહેતા હોય છે. જ્યારે મહા મહિનાની શિવરાત્રિએ તો સામાન્ય માણસો પણ રાત્રિ પૂજા કરતા હોય છે.
શિવજીના લગ્ન મહાશિવરાત્રિના દિને અર્થાત્ મહા વદ ચૌદશના દિવસે રાતના સમયે થયાં હતાં એટલે પણ મહાશિવરાત્રિનું મહત્ત્વ વધી જાય છે. દેશના ઘણા ભાગોમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં આજે પણ રાત્રિના સમયમાં લગ્ન થાય છે. શિવ-શક્તિનું મિલન(લગ્ન) રાત્રે થયું હતું તેના પરથી પણ તેમના ભક્તોને આ પ્રેરણા મળી હોઇ શકે.
વિષ્ણુની પૂજા માટે નિયમો હોય છે. સવારથી રાત સુધીના અનેક પ્રહરોમાં તેમની ભાતભાતની પૂજા થતી હોય છે, પરંતુ રાત્રિના શય્યા દર્શન પછી તેમને આરામ અને ભક્તોને પણ આરામ. બીજી બાજુ શિવજીના દરવાજા ચોવીસે કલાક ખૂલા હોય છે. તેમની પૂજા રાત્રે પણ એટલા જ ઉત્સાહથી થતી હોય છે જેટલી દિવસે થતી હોય.
ઇશાન સંહિતા અનુસાર ભગવાન શંકરનું શિવલિંગના રૂપમાં પ્રાગટ્ય પણ મહા વદ ચૌદશની રાત્રિએ જ થયું હતું. સૃષ્ટિની શરૂઆતમાં આ જ દિવસે શિવનું નિરાકાર રૂપ સાકાર સ્વરૂપે પ્રગટ થયું હતું. પ્રલય વેળાએ પણ આ જ દિવસે ભગવાન શિવે તાંડવ નૃત્ય કરી પોતાના ત્રીજા નેત્ર દ્વારા બ્રહ્માંડને ભસ્મીભૂત કર્યું હતું. એટલે જ આને મહાશિવરાત્રિની સાથે જલરાત્રિ પણ કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે ચંદ્ર સૂર્યની સૌથી નજીક હોય છે. આ સમયે જીવરૂપી ચંદ્ર અને શિવરૂપી સૂર્ય સાથે ઉત્કૃષ્ટ યોગ થાય છે. સૂર્યદેવ આ સમયે પૂર્ણ રૂપે ઉત્તરાયણમાં હોય છે. આ સમયથી હવે ઠંડી ઓછી થાય છે અને ગરમી વધવા લાગે છે. ઋતુ પરિવર્તનનો આ સમય અત્યંત શુભ મનાય છે.
ઇશા ફાઉન્ડેશનના સ્વામી સદ્ગુરુ જણાવે છે કે મહાશિવરાત્રિની રાત્રિએ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધની સ્થિતિ એવી રીતે ગોઠવાઇ હોય છે જેનાથી માણસની શક્તિમાં કુદરતી ઉછાળ આવે છે. અધ્યાત્મના માર્ગે આગળ વધવા તેમ જ અલૌકિક શક્તિ- સિદ્ધિ મેળવવા માટે આ સમય શ્રેષ્ઠ છે.
રાત્રિએ અંધકાર હોય છે અને અંધકાર જ મોટા પ્રમાણમાં અત્ર – તત્ર -સર્વત્ર વ્યાપેલો છે. આપણી સૂર્યમાળા જેવી અનેક સૂર્યમાળાઓ હોઇ શકે, પરંતુ પૂરા બ્રહ્માંડના કુલ અવકાશના પંચાણું ટકા ભાગમાં અંધકાર જ વ્યાપેલો છે . આ અંધકાર એ જ શિવ તત્ત્વ એમ સદ્ગુરુ વધુમાં કહે છે.
શિવજીને પણ જાણે રાત્રિના અંધકારનો વૈભવ ગમે છે. પ્રકાશ કે ચળકાટનો ગલેમર ક્ષણિક કે માયાવી હોઇ શકે છે, પરંતુ અંધકાર અટલ સત્ય છે. જીવનરૂપી પ્રકાશ માયા જાળ છે, જ્યારે મૃત્યુરૂપી અંધકાર અટલ હકીકત છે. ભગવાન શિવ મૃત્યુના દેવ છે. સત્યના આરાધક છે. ભોલેનાથને માણસોની જૂઠી દુનિયા કરતાં પ્રેતયોનિના ભૂત-પિશાચ વધુ વહાલા છે. આ ભૂત-પિશાચોને પણ દિવસની રોશની કરતાં રાત્રિનો
અંધકાર વધુ વહાલો છે. પ્રકાશ થકી જ આપણને અન્ય વસ્તુ કે વ્યક્તિ દેખાય છે અને આ દેખ્યાનું જ ઝેર છે. પ્રકાશથી જ માણસોમાં કાળા-ગોરા, ખડતલ-કૃશ, જાડા-પાતળા કે ઊંચા-ઠીંગણા માણસોનો ભેદ દેખાઇ આવે છે. અંધકારમાં આ સઘળા ભેદ ભૂંસાય જાય છે.
રાત્રિના અંધકારમાં
નિરવ શાંતિ પણ હોય છે. ટ્રાફિકનો ઘોંઘાટ કે પશુ-પંખી-માણસોનો અવાજ નડતો નથી. મનની એકાગ્રતા વધે છે. આ સમયે કરેલી ધ્યાન પૂજા કે મંત્રોનું ઉચ્ચારણ જલદીથી પરમ શક્તિ સુધી પહોંચી શકે છે. જેમ મુંબઇ જેવા શહેરમાં બોરીવલીથી ચર્ચગેટ જવું હોય તો દિવસ કરતાં રાત્રે વધુ જલદી અને વધુ સરળતાથી પહોંચી શકાય છે તેમ રાત્રિએ જાગરણ કરીને કરેલી પૂજા-પ્રાર્થના દ્વારા મસ્તકમાંથી નીકળતા તરંગો કોઇ પણ જાતના ટ્રાફિક જામ વગર વધુ સહેલાઇથી પરમેશ્ર્વર શિવને પ્રાપ્ત થાય છે અને એ જ માર્ગે આપણને એટલી જ સરળતાથી એમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
શિવપુરાણમાં આવતી કથા અનુસાર એક પારધી અજાણતા જ મહા વદ ચૌદશની રાત્રિએ જાગરણ કરે છે અને તેના હલન-ચલનથી બીલીપત્રો દ્વારા અનાયાસે જ વૃક્ષ નીચે રહેલા શિવલિંગની પૂજા અર્ચના થઇ જાય છે છતાંય તેનો ઉદ્ધારધા થાય છે તો પછી આપણે જાણી જોઇને શાસ્ત્રોક્ત રીતે પ્રેમપૂર્વક શિવરાત્રિનું જાગરણ અને શિવરૂપી કલ્યાણકારી મહાદેવનું પૂજન અર્ચન કરીએ તો કેટલા બધા લાભ મળી શકે નહીં? અને હા તેમાં નુકસાન તો જાણે કશું છે જ નહીં.
તો પછી બોલો ‘નમ: પાર્વતીપતયે હર… હર… મહાદે…વ!’