કેદારનાથઃ કેદારનાથ હેલિકોપ્ટરની ટિકિટનું બુકિંગ મંગળવારથી IRCTC (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન) દ્વારા કરી શકાશે. 28 મેથી 15 જૂન સુધીની મુસાફરી માટે ટિકિટ બુક કરાવી શકાશે. ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA)ના અધિકારીએ જણાવ્યું હતું કે IRCTCએ હેલી ટિકિટ બુકિંગ માટે તેની વેબસાઈટ પર માહિતી પણ જારી કરી છે. તેમણે કહ્યું હતું કે આ વખતે બુકિંગ સ્લોટ વધારવામાં આવ્યો છે. હેલિકોપ્ટર ટિકિટ બુક કરાવવા માટે ચારધામ યાત્રાનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે.
નોંધણી વિના ટિકિટ બુકિંગ શક્ય નહીં હોય. સૌ પ્રથમ તમારે કેદારનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી www.heliyatra.irctc.co.in પર અરજી કરો . આ પછી તમારે લોગ ઈન આઈડી બનાવવું પડશે, ત્યાર બાદ તમારી પ્રોફાઇલ બુકિંગ માટે ખુલશે.
હવે હેલી ઓપરેટર કંપની પસંદ કર્યા પછી, મુસાફરીની તારીખ અને સ્લોટ સમય ભરવાનો રહેશે. આ સાથે મુસાફરી કરી રહેલા મુસાફરોનો નંબર અને માહિતી આપવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. OTP દાખલ કર્યા પછી, ટિકિટની રકમ ઓનલાઈન ચૂકવીને ટિકિટ બુક કરવામાં આવશે.
અહીં એ જણાવવાનું કે કેદારનાથ યાત્રામાં ગયા વર્ષની માફક આ વર્ષે હવે દર્શન કરનારાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. યાત્રાધામના દરવાજા ખોલવામાં આવ્યાના 27 દિવસમાં સાડાચાર લાખ લોકોએ દર્શન કર્યા છે. શરુઆતના દિવસોમાં હિમવર્ષાને કારણે અનેક અવરોધો આવ્યા હતા, જેમાં અમુક દિવસ યાત્રાધામને રોકવાની પણ ફરજ પડી હતી.
અક્ષય કુમારે કેદારનાથબાબાના દર્શન કર્યાં
બોલીવૂડના જાણીતા અભિનેતા અક્ષય કુમાર આજે કેદારનાથ પહોંચ્યો હતો. બાબા કેદારની પૂજાપાઠ કર્યા પછી મંદિરનું પરિભ્રમણ પણ કર્યું હતું. અક્ષય કુમારની ટીમ તેના ફિલ્મના શૂટિંગ માટે દહેરાદૂન પહોંચ્યો છે. મંગળવારે સહસ્ત્રધારા હેલિપેડથી કેદારનાથ રવાના થયા હતા. આ ફિલ્મના શૂટિંગ માટે બુધવારે બે દિવસ માટે રુડકી જશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.