મુંબઈમાં બગીચા અને મેદાનો સવારના પાંચ વાગે ખૂલી જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વહેલી સવારમાં ચાલવા જનારા મુંબઈગરા માટે આનંદના સમાચાર છે. મુંબઈ મહાનગરપાલિકાએ હવે મુંબઈનાં તમામ ઉદ્યાન, મેદાનોને નાગરિકો માટે ખુલ્લાં મૂકવાનો સમય વધારી દીધો છે. ચાલુ દિવસે ૧૫ કલાક અને શનિવાર, રવિવાર સહિત સાર્વજનિક રજાના દિવસે બગીચાઓ ૧૭ કલાક ખુલ્લાં રહેશે.
મુંબઈમાં તમામ બગીચા, મેદાનો અને રીક્રીએશન ગ્રાઉન્ડને ખુલ્લાં મૂકવાનો સમય વધારવાને કારણે વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકશે. પાલિકાએ લીધેલા નિર્ણય મુજબ દર સોમવારથી શુક્રવાર સવારના પાંચથી બપોરના એક અને બપોરના ૩થી રાતના ૧૦ વાગ્યા સુધી એમ કુલ ૧૫ કલાક માટે નાગરિકો માટે બગીચા અને મેદાનો ખુલ્લાં રહેશે. તો વીકએન્ડ શનિવાર અને રવિવાર તેમ જ સાર્વજનિક રજાના દિવસે સવારના પાંચ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી એટલે સળંગ ૧૭ કલાક ખુલ્લાં રહેશે.
રમતગમતનાં મેદાનો અને મનોરંજન મેદાનોનો યોગ્ય ઉપયોગ થાય તેમ જ ઉદ્યાન, મેદાન, મનોરંજન મેદાનોનો નાગરિકો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે તેને ખુલ્લાં મૂકવાનો સમય વધારવામાં આવ્યો હોવાનું પાલિકા પ્રશાસને કહ્યું હતું. નોંધનીય છે કે મુંબઈમાં કુલ ૨૨૯ ઉદ્યાન, ૪૩૨ રીક્રીએશન ગ્રાઉન્ડ, ૩૧૮ રમતના મેદાન અને ૨૬ પાર્ક છે. આ તમામ સ્થળે સમય વધારવાથી તમામ મુંબઈગરાને ફાયદો થશે.
હાલ પાલિકાનાં ઉદ્યાન અને મેદાનો સવારના છ થી બપોરના ૧૨ વાગ્યા સુધી અને બપોરના ત્રણથી રાતના નવ વાગ્યા સુધી ખુલ્લાં રાખવામાં આવે છે. પરંતુ ઉદ્યાન અને મેદાનમાં આવતા અબાલવૃદ્ધોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમ જ કોવિડ મહામારી બાદ લોકો આરોગ્ય માટે સર્તક થયા હોવાથી વધુ સમય બગીચાઓ નાગરિકો માટે ખુલ્લા રાખવાનો નિર્ણય પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે લીધો છે.