(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વેકેશનના સમયગાળામાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને આ વખતે મધ્ય રેલવે દ્વારા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે, જેમાં મુંબઈ અને પુણેની વચ્ચે ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર માટે ટ્રેનો દોડાવવામાં આવશે. મધ્ય રેલવે દ્વારા ઉનાળાની રજાઓમાં ટવિન સિટી મુંબઈ અને પુણે જેવા શહેરોના લોકોને તેમના વતન ગામો સુધી લઈ જવા માટે 7 વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે, જેમાં આજથી લઈને 19મી જૂન વચ્ચે કુલ 88 વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.
મધ્ય રેલવેમાં મુંબઈ (સીએસએમટી-એલટીટી) અને પુણેની જ વાત કરીએ તો સાત સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. 12 એપ્રિલથી 19 જૂનની વચ્ચે આ ટ્રેનો 88 ફેરી કરશે. પુણે અને દાનાપુરની વચ્ચે 14 વીકલી એક્સપ્રેસ દોડાવવામાં આવશે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી)થી ઘણી વિશેષ ટ્રેનો શરૂ થઈ રહી છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી માલદા સુધી 10 સાપ્તાહિક ટ્રેનો ચાલશે. સીએસએમટીથી નાગપુર(છઠ્ઠી મેથી ત્રીજી જૂન)ની સાપ્તાહિક ટ્રેનમાં 10 ફેરી હશે. લોકમાન્ય તિલક ટર્મિનસથી બનારસ જતી સાપ્તાહિક ટ્રેનના 12 ફેરી (પહેલી મેથી પાંચમી જૂન) હશે. એલટીટીથી સમસ્તીપુર સુધીની સાપ્તાહિક ટ્રેન(ચોથી મેથી આઠમી જૂન)ની 12 ટ્રીપ હશે.તેમજ લોકમાન્ય તિલક ટર્મિનસથી કરમાલી જતી સાપ્તાહિક ટ્રેન (પાંચમી એપ્રિલથી ત્રીજી જૂન)ની 16 ટ્રીપ હશે. આ ઉપરાંત,
પુણેથી કેટલીક વિશેષ ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે. પુણેથી દાનાપુર સુધીની સાપ્તાહિક ટ્રેન (છઠ્ઠી મેથી 17મી જૂન)ની 14 ટ્રીપ હશે. પુણેથી એર્નાકુલમ વીકલી ટ્રેનમાં 14 ફેરી હશે. આ વિશેષ ટ્રેનો માટે ઓનલાઈન ટિકિટ રિઝર્વેશન શરૂ થઈ ગયું છે. આ ટ્રેનોમાં સેકન્ડ ક્લાસ સ્લીપર કોચ અનરિઝર્વ્ડ રહેશે, એમ મધ્ય રેલવેએ જણાવ્યું હતું.