બોલીવૂડના એક્શન ડિરેક્ટર રોહિત શેટ્ટીની હિટ કોમેડી ફ્રેંચાઈઝી ગોલમાલની અત્યાર સુધી ચાર ફિલ્મો આવી ગઈ છે અને આ બધી જ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.
દર્શકો ગોલમાલ ફિલ્મની ચારેય સિક્વલને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મની કોમેડી ક્લિપ્સ આજે પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતી રહે છે અને છેલ્લાં કેટલાક સમયથી ગોલમાલ સિરીઝની પાંચમી ફિલ્મ વિશે બી-ટાઉનમાં જાત જાતની ચર્ચાઓ સંભળાઈ રહી છે. દર્શકો પણ ફિલ્મના આગામી પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ રોહિત શેટ્ટી ગોલમાલ 5 સાથે પાછા ફરી રહ્યો હોવાની માહિતી આ જ ફિલ્મ સાથે સંકળાયેલા એક્ટર શ્રેયસ તલપડેએ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીની છેલ્લી ફિલ્મ સર્કસ બોક્સ ઓફિસ પર ખૂબ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી અને દરમિયાન ડાયરેક્ટર પોતાના દર્શકો માટે હવે ફરી તેની ગોલમાલ સિરીઝની પાંચમી ફિલ્મ લઈને આવી રહ્યો છે, એવી માહિતી શ્રેયસ તલપડેએ આપી હતી.
એક્ટર શ્રેયસ તલપડેએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે માત્ર ફેન્સ જ નહીં પણ અમે લોકો પણ ફિલ્મની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. અજય દેવગન અને રોહિત શેટ્ટીએ ગોલમાલની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી હતી પરંતુ કોરોના બાદ ફિલ્મ પાછી બાજુએ રહી ગઈ હતી.
એક્ટરે વધુમાં એવું પણ જણાવ્યું કે જો ઈમાનદારીથી કહું તો મને હજુ ફિલ્મની સ્ટોરી વિશે કંઈ જ ખબર નથી, પરંતુ આશા છે કે ટૂંક સમયમાં જ રોહિત શેટ્ટી આની પર કામ શરૂ કરી દેશે. શ્રેયસ તલપડેની વાતથી સ્પષ્ટ વ્યક્ત થાય છે કે તેઓ રોહિત શેટ્ટી ટૂંક સમયમાં જ ગોલમાલ 5 પર કામ શરૂ કરશે.
ગયા વર્ષે સર્કસના ટ્રેલર લોન્ચ પર એવી ચર્ચા થઈ હતી કે આ વખતે ફિલ્મમાં રણવીર સિંહને પણ કાસ્ટ કરવામાં આવી શકે છે, ત્યાર બાદ રણવીરના ચાહકો ખુશ થઈ ગયા હતા.