Homeમેટિનીગોલી ચલેગી ઔર કિસીકો પતા ભી નહિ ચલેગા! - કેવી રીતે શૂટ...

ગોલી ચલેગી ઔર કિસીકો પતા ભી નહિ ચલેગા! – કેવી રીતે શૂટ થાય છે ધમાકેદાર દૃશ્યો?

બિહાઈન્ડ ધ સીન -કલ્પના શાહ

હિન્દી ફિલ્મોના ક્લાઈમેક્સ દ્રશ્યો એટલે ગોળીઓનો વરસાદ, હાથગોળાના ધડાકા, દારૂગોળાના ઉડતા ધુમાડા વચ્ચે હીરો, હિરોઈન અને વિલનના રસાકસી ભર્યા દ્રશ્યો. પણ આવા દ્રશ્યો ફિલ્માવવા પહેલા ન માત્ર જોખમી હતાં પણ તે સાથે વપરાતા દારૂગોળાને કારણે પ્રદુષણ પણ થતું હતું. ધીમે ધીમે સિનેમા મેકિંગ પ્રક્રિયામાં પણ આધુનિકતા આવતી ગઈ. સાથે સાથે આવા જંગને ફિલ્માવવાની રીતો પણ બદલાઈ અને બદલાયા તેમાં વપરાતા સાધન સામગ્રી. હવે પ્રદૂષણ ફેલાવતા દારૂગોળાનો ઉપયોગ ઓછો થાય છે, તેમ છતાં દ્રશ્યો વધારે વાસ્તવિક લાગે છે, કઈ રીતે? ચાલો જાણીએ.
આ રીતે ફિલ્માવતા હતા ધડાકા
સિનેમામાં હવે વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ ઓછો થઇ ગયો છે. અજય દેવગનની ફિલ્મ ‘તાનાજી – ધ અનસન્ગ વોરિયર’ માટે બેસ્ટ એક્શન ડાયરેક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ જીતનાર આર. પી. યાદવ જણાવે છે, ‘અજય દેવગનના પિતા વીરુ દેવગનને હું મારા ગુરુ માનું છું.’ તેમના સહાયક તરીકે મેં દસ વર્ષ કામ કર્યું છે. તે સમયે સ્પેશિયલ ઇફેક્ટ્સ કે વીએફએક્સ નહોતું! વિસ્ફોટવાળા દ્રશ્યો માટે અમે પેટ્રોલનો ઉપયોગ વધુ કરતા હતાં અને ક્યારેક ક્યારેક પેટ્રોલની જગ્યાએ ઘાસલેટ અને ડીઝલમાં રબર નાખીને વિસ્ફોટ વાળાદ્રશ્યો ફિલ્માંકન કરતા હતાં.
હવે બધો ખેલ એડિટિંગ
ટેબલ પર ખેલાય છે
આર પી કહે છે, “અત્યારે સ્પેશિયલ ઇફેક્ટ્સ અને વીએફએક્સને કારણે વિસ્ફોટકો અને ગોળાબારુદનો ઉપયોગ ૫૦% ઓછો થઇ ગયો છે. તેનાથી પર્યાવરણ બચાવમાં પણ ઘણી મદદ મળી છે. હવે અમે થોડાઘણા વિસ્ફોટક લગાડીને એક્શન દ્રશ્યોનું શૂટિંગ કરીએ છીએ અને પછી વીએફએક્સમાં તેની અસર વધારી દઈએ છીએ. આ પ્રકારના દ્રશ્યો ફિલ્માવવા વધુ આસાન અને સુરક્ષિત થઇ ગયા છે. પહેલાં વીએફએક્સ ન હોવાથી જેટલા દારૂગોળા વાળા દ્રશ્યો હતાં તે બધા અમારે આગ લગાડીને જ ફિલ્માવવા પડતા હતાં.
——–
ટેક્નિક અને સમજનું
સંતુલન જરૂરી છે
સ્પેશિયલ ઇફેક્ટ્સ અને વીએફએક્સ આવવાથી શૂટિંગ દરમ્યાન વિસ્ફોટક દ્રશ્યો ફિલ્માવવા આસાન બન્યા છે. પણ આર પી ના કહેવા અનુસાર ટેક્નિકલ રીતે તેમાં ઘણી સાવચેતી રાખવી પડે છે. તેઓ કહે છે કે, “જો તમે મગજ વાપરીને કામ ન કરો તો બધું ખરાબ થઇ જાય. હવે વિસ્ફોટના દ્રશ્યો ફિલ્માવતા પહેલા વીએફએક્સની ટીમ સાથે ડિસ્ક્સ કરવું પડે છે, તેમાં કેમેરામેન સમજદાર હોવો બહુ મહત્વનું છે. દ્રશ્ય પ્રમાણે કેટલી લાઈટની જરૂર પડશે તેના ઉપર ધ્યાન આપવું પડે છે, જો લાઈટ ઓછીવત્તી થાય તો વીએફએક્સ દરમ્યાન દ્રશ્ય મેચ નહીં થાય.
પેટ્રોલને બદલે બલૂન ગેસ
વિસ્ફોટના દ્રશ્યો માટે આજકાલ પેટ્રોલને બદલે બલૂન ગેસ વધારે સુરક્ષિત મનાય છે. તે એટલો સુરક્ષિત છે કે શૂટિંગ દરમ્યાન તેનો ઉપયોગ ભીડની વચ્ચે પણ કરી શકાય છે અને તેની અસર પેટ્રોલ જેવી જ દેખાય છે. પહેલા કલાકારો સાથે આગના સીન ફિલ્માવવા બહુ ખતરનાક હતું અને એ પ્રકારના સીન ખૂબ હિંમતવાળા સ્ટન્ટ આર્ટિસ્ટ જ કરતા હતાં. પહેલા આવા સીન સ્ટન્ટ આર્ટિસ્ટ ફાયર સૂટ પહેરીને કરતા હતાં અને જરા પણ ચૂક થાય તો જાનનું જોખમ ઉભું થતું હતું. હવે આગના દ્રશ્યો વીએફએક્સ પર તૈયાર થાય છે.
——–
ગોળીબાર થઇ રહ્યો છે ઓછો
વીરુ દેવગન સાથે ‘લાલ બાદશાહ’, ‘ઇતિહાસ’, ‘દીલજલે’, ‘હકીકત’ જેવી કેટલીય ફિલ્મોમાં સ્ટન્ટ આર્ટિસ્ટના રૂપમાં કામ કરી ચૂકેલા એક્શન ડાયરેક્ટર શાહબુદ્દીન શેખ કહે છે, ગન ફાયર માટે બુલેટ મંગાવવી પણ હવે પ્રોડક્શન હાઉસને મોંઘી પડે છે. ઘણીવાર પિસ્તોલથી બરાબર ફાયર ન થાય તો કલાકાર પણ ધૂંધવાઈ જાય છે અને તેમનું પરફોર્મન્સ ખરાબ થઇ જાય છે. હવે તેને માટે વીએફએક્સની મદદ લઈએ છીએ. તેનો ફાયદો એ થાય છે કે રૂપિયાની બચત સાથે સાથે કલાકારનો અભિનય પણ નિખરે છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -