(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના આજના વક્તવ્ય પૂર્વે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ૨૩ પૈસા મજબૂત થઈને ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪નો ઘસરકો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ સાધારણ રૂ. ૮૫નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તેમ જ વપરાશકાર ઉદ્યોગ અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૫ના ઘટાડા સાથે રૂ. ૬૧,૬૦૦ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સોનામાં પણ જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની પાંખી લેવાલી રહી હતી, જ્યારે રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની છૂટીછવાઈ માગ જળવાઈ રહી હતી. જોકે, આજે રૂપિયામાં મજબૂત વલણ રહેતાં હાજરમાં મધ્યસત્ર દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૫૪૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૭૫૧ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે અમેરિકામાં બ્રુકિંગ ઈન્સ્ટિટ્યુશનનાં એક પ્રસંગમાં અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનું વક્તવ્ય છે અને આ વક્તવ્યમાં આગામી ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદર વધારા અંગે કેવો અભિગમ અપનાવવામાં આવશે એ અંગે તેઓ કોઈ દિશા નિર્દેશ આપે છે કે કેમ તેના પર વૈશ્ર્વિક રોકાણકારોની નજર સ્થિર થઈ છે. આથી આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ૧૭૫૫.૪૮ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ૧૭૬૭.૮૦ ડૉલર તથા ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૧.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જો આજના વક્તવ્યમાં જૅરૉમ પૉવૅલ વ્યાજદરમાં આક્રમક વધારાનો અણસાર આપશે તો વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતાં સોનાના ભાવ ઔંસદીઠ ૧૭૪૫ ડૉલર સુધી ઘટી શકે છે, પરંતુ જો વ્યાજદરમાં હળવા વધારાનો નિર્દેશ આપે તો ડૉલર નબળો પડતાં સોનાના ભાવ ઔંસદીઠ ૧૭૮૦ ડૉલર સુધી વધે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.