(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૧૩-૧૪ ડિસેમ્બરની નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા ભાવ સાંકડી વધઘટે અથડઈ ગયા હતા, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિકમાં પણ મધ્યસત્ર દરમિયાન સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં સોના-ચાંદીના ભાવમાં ધીમો ઘસારો આવ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાના ભાવ પર ખાસ અસર નહોતી પડી. આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૬૯નો ઘસરકો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં રોકાણકારો, સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૩,૩૭૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૩,૫૯૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૬૯ના ઘટાડા સાથે રૂ. ૬૪,૪૭૯ની સપાટીએ રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે આગામી સપ્તાહની ફેડરલની નીતિવિષયક બેઠક પૂર્વે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ રહેતાં હાજરમાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૧૭૭૨ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ૧૭૮૩.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૩૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલ બજારની નજર આગામી સપ્તાહની ફેડરલ રિઝર્વની બેઠક પર સ્થિર થઈ છે. જોકે, ફેડ ફ્યુચર્સ અંતર્ગત ૯૧ ટકા વર્ગનું માનવું છે કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરશે. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં ૦.૨ ટકા જેટલો વધારો થવાથી પણ સોનામાં સુધારો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હાલને તબક્કે વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૭૬૬ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી છે અને જો આ સપાટી તૂટે તો ભાવ ઘટીને ઔંસદીઠ ૧૭૪૮થી ૧૭૫૫ ડૉલર સુધી ઘટે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.