(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના માર્ચ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની લેવાલી નીકળતાં ભાવમાં ૦.૭ ટકાનો અને ચાંદીના ભાવમાં ૦.૯ ટકાનો ઉછાળો આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫૭થી ૩૫૮ની તેજી આવી હતી. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતર ઘટવાથી વિશ્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૪૯ના ઉછાળા સાથે રૂ. ૭૫,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે એકંદરે સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીનું વલણ રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫૭ વધીને રૂ. ૬૦,૫૦૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૩૫૮ વધીને રૂ. ૬૦,૭૪૮ના મથાળે રહ્યા હતા, પરંતુ તેજીના માહોલમાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ અત્યંત પાંખી રહી હતી. જોકે, .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૪૯ વધીને રૂ. ૭૫,૩૬૫ના મથાળે રહ્યા હતા. ગત માર્ચ મહિનામાં અમેરિકા ખાતે ફુગાવામાં ઘટાડો થવાના આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં લેવાલી રહેતાં હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૨૦૧૭.૦૯ ડૉલર અને ૨૦૩૨.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટાની અસર અમેરિકી ફેડરલ રિઝર્વની મે મહિનાની નીતિવિષયક બેઠક પર પડે તેમ હોવાથી રોકાણકારોની મીટ ડેટાની જાહેરાત પર મંડાયેલી છે.
જોકે, ફુગાવામાં ઘટાડો થશે તો વ્યાજદરમાં ફેડરલ રિઝર્વ ઓછો વધારો કરશે અથવા વ્યાજ વધારો સ્થગિત પણ રાખી શકે છે અન્યથા ફુગાવો અંકુશમાં રાખવા વ્યાજદરમાં વધુ વધારો પણ કરી શકે છે. વિશ્લેષકોના મતાનુસાર જો ફુગાવામાં અપેક્ષિત ઘટાડો જોવા મળ્યો તો સોનાના ભાવ ઔંસદીઠ ૨૦૩૨ ડૉલર સુધીની નવી ઊંચી સપાટી સુધી પહોંચી શકે છે. જોકે, ફિલાડેલ્ફિયા ફેડ બૅન્કના પ્રમુખ પેટ્રિક હાર્કરે ફેડરલ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરી હતી, જ્યારે ન્યૂ યોર્ક ફેડનાં પ્રમુખ જ્હોન વિલિયમ્સે ફેડરલના વ્યાજદરનો નિર્ણય આગામી આર્થિક ડેટાઓની જાહેરાત પર અવલંબિત રહેશે તેમ જણાવ્યું હતું. જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલ્સ અમેરિકાના રોજગારીના મજબૂત ડેટાને ધ્યાનમાં લેતાં ૬૭.૨ ટકા વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટની શક્યતા દર્શાવે છે.