(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:વૈશ્વિક સ્તરે નિયામકો દ્વારા બૅન્કિંગ ક્ષેત્રને ઉગારવા માટે થઈ રહેલા પ્રયાસોને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં હાજર અને વાયદામાં મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૧નો અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪થી ૫નો સુધારો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર ઘટવાને કારણે સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે સોનામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯,૦૦૦ની સપાટીની અંદર ઉતરી જતાં પ્રવર્તમાન રિટેલ સ્તરની લગ્નસરાની માગ ખૂલી હતી. તેમ જ છૂટીછવાઈ જ્વેલરી ઉત્પાદકો અને સ્ટોકિસ્ટોની માગ ખૂલતાં ભાવમાં સુધારાતરફી રહ્યું હતું. જોકો આજે રૂપિયામાં મજબૂત વલણ રહેતાં ભાવવધારો મર્યાદિત રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪ વધીને રૂ. ૫૮,૬૬૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫ વધીને રૂ. ૫૮,૮૯૭ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે ચાંદીમાં છૂટીછવાઈ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૧ના સુધારા સાથે રૂ. ૬૯,૪૦૦ના મથાળે રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે ઉદ્ભવેલી બૅન્કિંગ ક્ષેત્રની કટોકટી દૂર કરવા માટે નિયામકો દ્વારા પ્રયાસો થઈ રહ્યાના નિર્દેશો સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે રોકાણકારોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૫૫.૬૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૯૫૬.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૯૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે વર્તમાન વૈશ્વિક નાણાકીય કટોકટી અને વૈશ્વિક આર્થિક મંદીની શક્યતાઓને ધ્યાનમાં લેતાં આગામી થોડા સમયગાળા દરમિયાન સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ જળવાઈ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં વર્ષ ૨૦૨૩નાં બીજા છમાસિકગાળા સુધીમાં સોનાના વૈશ્વિક ભાવ ઔંસદીઠ ૨૦૭૧ ડૉલરની પ્રતિકારક સપાટી તોડીને ૨૧૪૮ ડૉલર સુધી વધે તેવી શક્યતા રૉઈટર્સના ટૅક્નિકલ એનાલિસ્ટ વૉન્ગ તાઓએ વ્યક્ત કરી હતી.