મુંબઈ: અમેરિકામાં ગત સપ્તાહે બેરોજગારી ભથ્થુ મેળવવા માટેની અરજીની સંખ્યા વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સુધારો આગળ ધપ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૮૧થી ૩૮૩નો સુધારો આવ્યો હતો. જોકે, આજે ચાંદીમાં એકંદરે કામકાજો પાંખાં રહેતાં ભાવમાં સાધારણ કિલોદીઠ રૂ. બેનો ઘસરકો આવ્યો હતો. આજે લંડન ખાતે ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ સાધારણ રૂ. બેના ઘટાડા સાથે રૂ. ૬૧,૭૯૧ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે વેચવાલીના દબાણમાં ઘટાડા ઉપરાંત સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગ તેમ જ રિટેલ સ્તરની માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૮૧ વધીને રૂ. ૫૫,૪૪૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૮૩ વધીને રૂ. ૫૫,૬૬૯ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ગત સપ્તાહે અમેરિકામાં બેરોજગારી ભથ્થું મેળવવા માટેના દાવેદારોની અરજીની સંખ્યા વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે તેવો આશાવાદ સર્જાતા ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી એક ટકા જેટલો સુધારો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે સુધારો આગળ ધપતા હાજરમાં ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ૧૮૩૬.૧૮ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ૧૮૩૮.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફેબ્રુઆરી મહિનાના બેરોજગારીના ડેટા પર સ્થિર થઈ હોવાથી રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦.૧૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષે તેની ટેસ્ટીમનીમાં વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે વ્યાજદરમાં વધુ વધારાની આવશ્યકતા હોવાના સંકેત આપતાં ઘણાં અર્થતંત્રોમાં આર્થિક વૃદ્ધિ ખોરંભે ચડે તેવી ભીતિ સપાટી પર આવતાં રોકાણકારો સોનામાંથી રોકાણ પાછાં ખેંચી રહ્યા હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના કૉમોડિટી રિસર્ચ વિભાગના હેડ હરીશ વી એ જણાવ્યું હતું.