Homeટોપ ન્યૂઝસોનામાં વધ્યા મથાળેથી રૂ. ૫૮નો અને ચાંદીમાં રૂ. ૧૧૮નો ઘટાડો

સોનામાં વધ્યા મથાળેથી રૂ. ૫૮નો અને ચાંદીમાં રૂ. ૧૧૮નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં હાજર ભાવમાં ૦.૪ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ૨૫ પૈસા નબળો પડ્યો હતો. આમ રૂપિયો નબળો પડતાં સ્થાનિકમાં સોનાની આયાત પડતરો વધવાને કારણે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવ ઘટાડો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮ સુધી મર્યાદિત રહ્યો હતો. તે જ પ્રમાણે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ચાંદીના ભાવમાં પણ વધ્યા મથાળેથી કિલોદીઠ રૂ. ૧૧૮નો ઘટાડો આવ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર તાજેતરમાં બન્ને કીંમતી ધાતુઓના ભાવ ઊંચી સપાટીએ હોવાથી રિટેલ સ્તરની તેમ જ જ્વેલરી ઉત્પાદકોની માગ તળિયે બેસી ગઈ છે. આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૫૯૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૮૨૫ના મથાળે રહ્યા હતા. તેમ જ મધ્યસત્ર દરમિયાન ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧૮ના ઘટાડા સાથે રૂ. ૬૯,૦૪૯ની સપાટીએ રહ્યા હતા. દરમિયાન આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં આગલા બંધથી ૦.૨ ટકા જેટલો સુધારો આવતાં રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૧૦.૦૨ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા ઘટીને ૧૯૧૦.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૪ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૪.૦૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આજે સોનાના ભાવમાં જોવા મળેલા ઘટાડાને પુલબેક તરીકે લેખાવતા કેડિયા કૉમોડિટીઝનાં ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે તેવી શક્યતા સોનામાં સુધારાને ટેકો આપી રહી છે. અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી બજાર વર્તુળો ધારણા મૂકી રહ્યા છે. આમ એકંદરે ઓછા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી કીંમતી ધાતુઓમાં રોકાણલક્ષી માગ ખૂલતી હોય છે, એમ તેમણે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતાનુસાર વર્તમાન વર્ષ ૨૦૨૩માં ખાસ કરીને ચાંદીમાં ઔદ્યોગિક અને રોકાણલક્ષી માગ વધુ રહેતાં સોનાની સરખામણીમાં ચાંદીમાં વધુ વળતર છૂટે તેમ જણાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -