(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ ૦.૨ ટકા જેટલો નબળો પડવાને કારણે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં ૦.૩ ટકા અને વાયદામાં ૦.૫ ટકાની તેજી આવી હોવાના નિર્દેશ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો વધુ ૨૬ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૬થી ૨૭૮ની તેજી આવી હતી. તેમ જ ઓનલાઈન વાયદામાં પણ ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭,૧૨૫ની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ રૂ. ૫૭,૦૫૮ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જ્યારે ચાંદીમાં વિશ્ર્વ બજારથી વિપરીત સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૩૬ની પીછેહઠ જોવા મળી હતી. આજે સ્થાનિક ઝવેરી બજારમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૩૬ના ઘટાડા સાથે રૂ. ૬૮,૧૩૭ના મથાળે રહ્યા હતા. વધુમાં ચાંદીથી વિપરીત સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયો નબળો પડવાને કારણે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૬ વધીને રૂ. ૫૭,૦૯૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૭૮ વધીને રૂ. ૫૭,૩૨૨ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા ભાવને કારણે સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ઠપ્પ થઈ ગઈ હોવાનું ડીલરોએ જણાવ્યું હતું.
આગામી ગુરુવારે અમેરિકાના ચોથા ત્રિમાસિકગાળાનાં જીડીપીના ડેટાના અંદાજની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ધીમી ગતિએ વધારો કરે તેવા આશાવાદ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૯૩૬.૩૨ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા વધીને ૧૯૩૭.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૫૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.