(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડાતરફી વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં ૧૩ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતર ઘટી આવતા સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦નોે ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૨૨ ઘટી આવ્યા હતા. આજે ખાસ કરીને ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ સાધારણ રૂ. ૨૨ના ઘટાડા સાથે રૂ. ૬૫,૩૮૯ના મથાળે રહ્યા હતા. આ ઉપરાંત સોનામાં વધુ ઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી. તેમ જ ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં આયાત પડતરમાં ઘટાડો થવાથી હાજરમાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૫ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૨૦૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૪૨૮ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં છૂટીછવાઈ લગ્નસરાની રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હતી. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ જાન્યુઆરી મહિના પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે વધ્યા મથાળેથી સાધારણ પીછેહઠ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ ઘટી આવતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૮૩૭.૫૦ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ૦.૧ ટકા વધીને ૧૮૪૭.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૧.૬૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.