કોમોડિટી – રમેશ ગોહિલ
નીચા મથાળેથી રિટેલ સ્તરની માગમાં થોડો સુધારો, વધુ ભાવ ઘટાડાની રાહ જોતા જ્વેલરો
—
અમેરિકા ખાતે ગત એપ્રિલ મહિનાનો ફુગાવો બજારની પાંચ ટકાની સપાટી સામે ઘટીને ૪.૯ ટકાની સપાટીએ રહ્યો હોવાના અહેવાલે ડૉલર ઈન્ડેકસ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સોનામાં રોકાણલક્ષી માગમાં ઘટાડો થતાં ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે ડૉલર ઈન્ડેક્સમાં સાપ્તાહિક ધોરણે ફેબ્રુઆરી પછીનો સૌથી મોટા ઉછાળા સાથે એક મહિનાની ઊંચી સપાટી આસપાસ રહ્યો હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સપ્તાહના અંતે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૧૦.૫૭ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા ઘટીને ૨૦૧૫.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આ ઉપરાંત ટ્રેઝરીની યિલ્ડમાં પણ વધારો થવાથી સોનામાં રોકાણકારોનું આકર્ષણ ન રહેતાં ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, આગામી સપ્તાહે દેવાની ટોચ મર્યાદા અંગે અમેરિકી પ્રમુખ જૉ બિડેન અને નીતિઘડવૈયાઓ સાથે યોજાનારી બેઠક પર રોકાણકારોની નજર છે અને જો આ બેઠકમાં કોઈ નિર્ણય ન આવે તો દેવાની કટોકટીનાં સંજોગોમાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં સોનામાં પુન: સુધારો આવે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. અત્રે નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં અમેરિકી ટ્રેઝરી સચિવ જૅનૅટ યૅલૅને જણાવ્યું હતું કે અમેરિકી સરકારના દેવાની ચુકવણી કરવા માટેની ટ્રેઝરીમાં ક્યારે રોકડ સમાપ્ત થશે તે અંગે હજુ અનિશ્ર્ચિતતા છે. આમ જો દેવાની ટોચ મર્યાદાની મુદ્દત લંબાવવામાં નહીં આવે તો દેવાની કટોકટી સર્જાવાની શક્યતા નકારી ન શકાય. સામાન્યપણે સોનામાં આર્થિક અને નાણાકીય અનિશ્ર્ચિતતાના સંજોગોમાં સોનામાં સલામતી માટેની નીકળતી હોય છે.
દરમિયાન ગત સપ્તાહે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ગત ગુરુવારથી વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું, પરંતુ સ્થાનિક ફોેરેક્સ માર્કેટમાં ગત સપ્તાહે ડૉલર સામે રૂપિયો ૪૨ પૈસા ગબડી ગયો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાને કારણે વૈશ્ર્વિક બજારની સરખામણીમાં સ્થાનિકમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૪થી મેના ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૧,૪૯૬ના બંધ સામે નરમાઈના ટોને રૂ. ૬૧,૧૦૮ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. ૬૧,૫૮૫ અને સપ્તાહના અંતે નીચામાં રૂ. ૬૦,૯૬૪ના મથાળે બંધ રહ્યા હતા. આમ સ્થાનિકમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩૨નો ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં ભાવ ૬૧,૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હોવાથી છૂટીછવાઈ રિટેલ સ્તરની માગ જોવા મળી હતી. જોકે, રોકાણકારો ઊંચી ભાવ સપાટીને કારણે રોકાણથી દૂર રહ્યા હતા. તેમ જ જ્વેલરી ઉત્પાદકોએ પણ વધુ ભાવઘટાડાના આશાવાદે નવી ખરીદીમાં સાવચેતીનું વલણ અખત્યાર કર્યું હતું. આમ એકંદરે જ્વેલરોની માગ નિરસ રહી હોવા છતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧૧ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આગલા સપ્તાહ ડીલરો સોનાના ભાવ ઔંસદીઠ ૨૩ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. તે જ પ્રમાણે કોલકાતા સ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે અહીં પણ ભાવ જે અગાઉ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૧,૮૪૫ની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા તેની સામે ઘટીને રૂ. ૬૦,૭૦૦ આસપાસ થતાં ઘરાકીમાં સાધારણ સળવળાટ જોવા મળ્યો હતો, પરંતુ હજુ ગ્રાહકો વર્તમાન ભાવસપાટી પણ પચાવી શકતા નથી અથવા તો એડ્જસ્ટ નથી થઈ રહ્યા, એવું જણાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત માર્ચ અંતના ત્રિમાસિકગાળામાં ભારતની સોનાની માગ વર્ષાનુવર્ષ ધોરણે ૧૭ ટકા ઘટીને ૧૦ ત્રિમાસિકગાળાની નીચી સપાટીએ રહી હોવાનું તેમ જ આગામી જૂન અને સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકગાળામાં પણ ભારતની સોનાની માગ ઓછી જ રહે તેવી શક્યતા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે એક અહેવાલમાં વ્યક્ત કરી હતી.
વધુમાં સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે તાજેતરના ભાવઘટાડા પશ્ર્ચાત્ પણ રોકાણકારો ઊંચા ભાવ અને ફેડરલ દ્વારા વ્યાજદરમાં વધારા અંગેની અનિશ્ર્ચિતતાને ધ્યાનમાં લેતાં રોકાણ કરવા માટે અચકાઈ રહ્યા હોવાનું ગ્રેટર ચાઈના સ્થિત એમકેએએસ પીએએમપીના રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવતાં ઉમેર્યું હતું કે ગત સપ્તાહે સ્થાનિકમાં સોનાના છૂટાછવાયા હાથબદલાના વેપાર થયા હતા, જ્યારે રિટલે સ્તરની માગ શુષ્ક રહેતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ બે ડૉલર ડિસ્કાઉન્ટથી બે ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. ગત સપ્તાહે અમેરિકા ખાતે જાહેર થયેલા આર્થિક આંકડાઓમાં ખાસ કરીને એપ્રિલ મહિનાનો ફુગાવો બજારની અપેક્ષા કરતાં નીચી ૪.૯ ટકાની સપાટીએ રહ્યો હતો, પરંતુ તેની સામે બેરોજગારોની સંખ્યામાં પણ અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળી હતી. આમ આર્થિક વૃદ્ધિની અનિશ્ર્ચિતતા, દેવાની કટોકટીની ચિંતા ઉપરાંત બૅન્કોની કથળી રહેલી સ્થિતિને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૧૩-૧૪ જૂનના રોજ યોજાનારી બે દિવસીય નીતિવિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે, તેમ છતાં ટ્રેડરો અને રોકાણકારો ફેડરલ તરફથી વ્યાજદર સ્થગિત કરવા અને વ્યાજદરમાં ઘટાડો કરવા માટેના સમયગાળાના નિર્દેશો અંગેની સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે ગત સપ્તાહે ખાસ કરીને અમેરિકી ટ્રેઝરી સચિવ જૉ બિડેન અને નીતિઘડવૈયાઓની બેઠક આગામી સપ્તાહે મુલતવી રાખવામાં આવી હોવાના નિર્દેશોને કારણે ગત સપ્તાહે સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, એકંદરે ૮૭.૧ ટકા બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા મૂકી રહ્યા હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા અમારા મતે આગામી સપ્તાહે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવ માટે ઔંસદીઠ ૨૦૦૦ ડૉલર આસપાસની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે અને જો આ સપાટી તૂટે તો ભાવ ઘટીને ૧૯૮૦ ડૉલર સુધી ઘટી શકે તેમ છે, જ્યારે ઔંસદીઠ ૨૦૫૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થશે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯,૫૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૬૨,૦૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે છે. ઉ