ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ વધુ, કરેક્શનની રાહ જોતા જ્વેલરો
કોમોડિટી -રમેશ ગોહિલ
અમેરિકી ફેડરલ રિઝર્વની ગત ૨/૩ મેના રોજ યોજાયેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરવાની સાથે વ્યાજદરમાં વધારાની સ્થગિતિ અંગે પણ નિર્દેશો આપતાં સપ્તાહમાં ગત ગુરુવાર સુધી વૈશ્ર્વિક સોનામાં રોકાણકારોની લેવાલીને ટેકે ભાવમાં તેજીનું વલણ રહ્યું હતું અને એક તબક્કે વાયદામાં ભાવ વધીને ઐતિહાસિક ઊંચી ઔંસદીઠ ૨૦૮૫ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા. આમ વિશ્ર્વ બજાર પાછળ ભારતમાં પણ તેજીનું વલણ જળવાઈ રહેતાં ભાવ વધીને ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૧,૮૪૫ની સપાટી સુધી પહોંચ્યા હતા, પરંતુ તેજીના આ માહોલમાં ભારત સહિત એશિયન બજારોમાં ખાસ કરીને રિટેલ સ્તરની માગ તળિયે જ રહી હતી. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં એકંદરે ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી તેમ જ જૂના સોનાની આવકો વધુ રહેતાં વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત માત્રામાં જોવા મળ્યો હતો.
વૈશ્ર્વિક સોનામાં ગત ગુરુવાર સુધી તેજીનું વલણ રહ્યા બાદ શુક્રવારે અમેરિકાના જાહેર થયેલા જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં વધુ સારા આવ્યા હતા, જેમાં એપ્રિલ મહિનામાં રોજગારોની સંખ્યામાં ૨,૫૩,૦૦૦નો ઉમેરો થયો હતો તેમ જ વેતનમાં પણ વધારો થયો હોવાનું જણાતા ફેડરલ રિઝર્વ જૂન મહિનાથી વ્યાજદરમાં ઘટાડો કરે તેવી આશા પર પાણી ફરી વળતા ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધી આવતા પુન: સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો. તેમ છતાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે અંદાજે ૧.૩ ટકા જેટલો વધારો નોંધાયો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધની સરખામણીમાં ૧.૭ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૦૧૫.૩૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૦૭૨.૪૯ ડૉલરની અને વાયદામાં ભાવ ૨૦૮૫ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. જ્યારે વાયદામાં ભાવ ૧.૫૦ ટકાના ઘટાડા સાથે ૨૦૨૪.૮૦ ડૉલરના મથાળે બંધ રહ્યા હતા.
અમેરિકાના રોજગારીમાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ તેમ જ વેતનમાં વધારો થવાને કારણે માગ વધતાં ફુગાવામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં સપ્તાહના અંતે વૈશ્ર્વિક સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, હજુ અમેરિકામાં બૅન્કિંગ ક્ષેત્રની કથળેલી સ્થિતિ અને દેવાની ટોચની મર્યાદાને કારણે ગભરાટનું વાતાવરણ જોવા મળી રહ્યું હોવાથી આખલા અને રીછડાંની લડાઈમાં સોના સહિતની તમામ બજારોના રોકાણકારોનો ખો નીકળી જાય તેવી ભીતિ સિટી ઈન્ડેક્સના એક વિશ્ર્લેષકે વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે હવે રોકાણકારોની નજર અમેરિકાના બૅન્કિંગ ક્ષેત્ર અને દેવાની ટોચની મર્યાદા પર જ મંડાયેલી
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે મુંબઈ ખાતે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ૨૮મી મેના રૂ. ૬૦,૧૬૮ના બંધ સામે સુધારાના ટોને રૂ. ૬૦,૨૨૦ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. ૬૦,૨૨૦ની સપાટીએ અને ઉપરમાં રૂ. ૬૧,૭૩૯ સુધી ક્વૉટ થયા બાદ અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૧૩૨૮ અથવા તો ૨.૨૦ ટકા વધીને રૂ. ૬૧,૪૯૬ના મથાળે બંધ રહ્યા હતા. એકંદરે સપ્તાહ દરમિયાન સ્થાનિકમાં સોનાના ભાવમાં તેજીનું વલણ રહેતાં રિટેલ સ્તરની માગ તળિયે રહેવા ઉપરાંત ખાસ કરીને જ્વેલરી અને કોઈનમાં નફારૂપી વેચવાલીનું દબાણ વધુ રહ્યું હતું. વધુમાં રિટેલ સ્તરની માગ સુસ્ત હોવાને કારણે જ્વેલરી ઉત્પાદકોની પણ લેવાલી નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એકંદરે માગ તળિયે બેસી હોવાથી સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૨૩ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આગલા સપ્તાહે ડીલરો ઔંસદીઠ ૧૨ ડૉલર ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યા હતા. મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે ગત સપ્તાહે ભાવમાં અચાનક અને ઝડપી ઉછાળો આવી ગયો હોવાથી ગ્રાહકો અવઢવમાં મૂકાઈ ગયા હતા કે આ મથાળેથી ખરીદી કરવી કે થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવવી. જોકે, ગત સપ્તાહે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જાહેર કરેલી આંકડાકીય માહિતી અનુસાર વર્ષ ૨૦૨૩ના માર્ચ અંતના પહેલા ત્રિમાસિકગાળામાં દેશની સોનાની માગમાં ૧૭ ટકા ઘટાડો થયો હોવાનું એક અહેવાલમાં જણાવ્યું હતું. તેમ જ આગામી જૂન તથા સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકગાળામાં પણ દેશમાં સોનાની માગ ઓછી અર્થાત્ નીચી સપાટીએ જ રહેવાની શક્યતા વ્યક્ત
કરી છે.
સોનાના ભાવમાં તેજીના વલણને કારણે ભારત સિવાય એશિયન બજારોમાં પણ માગ નિરસ રહી હતી. સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ગત સપ્તાહે રેનેમ્બીના મૂલ્યમાં ભાવમાં ઉછાળો આવ્યો હોવાથી રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી અને છૂટાછવાયા હાથબદલાના વેપાર ઔંસદીઠ ૪ ડૉલર ડિસ્કાઉન્ટથી એક ડૉલર સુધીના પ્રીમિયમમાં થયા હતા. ગ્રેટર ચાઈના સ્થિત એમકેએસ પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવ્યું હતું કે હાલમાં અમેરિકામાં ડેબ્ટ સિલિંગ (દેવાની ટોચ મર્યાદા) બૅન્કિંગ ક્ષેત્રની કથળેલી સ્થિતિને ધ્યાનમાં લેતાં રોકાણકારો ઘટ્યા મથાળેથી રોકાણ કરવા ઉત્સુક છે અને કરેક્શનની રાહ જોઈ રહ્યા છે.
ફેડરલના વ્યાજદર વધારાની સ્થગિતિના અણસાર સાથે ગત સપ્તાહે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે અને સ્થાનિકમાં ઓનલાઈન વાયદામાં સોનાના ભાવ અનુક્રમે ઔંસદીઠ ૨૦૮૫ ડૉલર અને રૂ. ૬૧,૮૯૯ની વિક્રમ સપાટીએ પહોંચ્યા હોવાથી સપ્તાહ ઐતિહાસિક રહ્યું હતું. જોકે, ફેડરલ રિઝર્વે વ્યાજદર વધારાની સ્થગિતિનો અંતિમ નિર્ણય જાહેર થનારા આર્થિક ડેટાઓ પર અવલંબિત રહેશે એમ જણાવ્યું છે. આથી જો અમેરિકી અર્થતંત્ર નબળું પડવાના સંકેત આપશે તો વ્યાજદર વધારો સ્થગિત કરવાનો નિર્ણય યથાર્થ ઠરશે, એમ એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવ્યું હતું.