પ્રાસંગિક -ઉર્મિલ પંડ્યા
ગઈ કાલે અખાત્રીજને દિવસે સોનાની ધૂમ ખરીદી થઈ. સોનું શરીરની શોભા તો વધારે જ છે સાથે સાથે આત્માના વિકાસ માટે પણ ખૂબ ઉત્તમ છે.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ચાંદી મનનો તો સોનું આત્માનો કારક છે. દેવ દેવી હોય કે રાજારાણી હોય તેમના મસ્તક પર સુવર્ણ મુગટ હંમેશાં રહેતો.
સોનું મસ્તક પર અને શરીર પર ધારણ કરવાથી વ્યક્તિના મનોબળ અને આત્મબળમાં વધારો થાય છે. જે એક રાજા તરીકે કોઈ પણ નિર્ણય લેવામાં સહાયરૂપ થાય છે. ભૂતકાળમાં રાજા-રાણીના સિંહાસન પણ સોનામાંથી બનતાં. ભારતમાં સોનાના નળિયાવાળાં ઘર હતાં.
આજે પણ મોટા પ્રાચીન મંદિરો પર સુવર્ણ કળશ હોય છે. વિષ્ણુપત્ની લક્ષ્મીજીના હાથમાંથી ધન સુવર્ણ મુદ્વા રૂપે વરસે છે.
સોનું કાળ બદલાય તો પણ એવું ને એવું જ રહે છે.
સોનું ક્યારેય કાટ કે નાશ પામતું નથી. સોનું પહેરવાથી શરીર તરફ નકારાત્મક શક્તિ ફરક્તી નથી. મનની સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે.
સોનું પહેરનાર વ્યક્તિમાં સાત્વિકતા, શૂરવીરતા અને શક્તિ વધે છે. અવકાશમાં જે સ્થાન સૂર્યનું છે એ જ સ્થાન ધાતુઓમાં સોનાનું છે. અધ્યાત્મના માર્ગે જેને આગળ વધવું હોય તેને માટે પણ સોનાનાં ઘરેણાં ઉપયોગી બની રહે છે. એવું કહેવાય છે કે સોનામાંથી નીકળતા તરંગો શરીરનાં સાતેય ચક્રોને ઉત્તેજિત કરી કુંડલિની શક્તિ જાગૃત કરવામાં મદદરૂપ થાય છે. આમ માથાના મુગટથી લઇ કેડના કંદોરા સુધીના સોનાના ઘરેણા શરીરની સુંદરતા તો વધારે છે, સાથે સાથે શારીરિક, માનસિક અને આત્મિક વિકાસ માટે પણ ઘણા જ ઉપયોગી બની રહે છે.
આયુર્વેદિક ઔષધિમાં પણ સોનાનો ઉપયોગ થાય છે. અનેક ઔષધિમાં સોનાની ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે.
શિયાળામાં ખવાતા ચ્યવનપ્રાશમાં પણ સોના ચાંદીની ભસ્મ નાખવામાં આવે છે. મીઠાઇ પર ચોંટાડેલા સોનાના વરખ માત્ર મીઠાઇની શોભા જ નથી વધારતા તેના ગુણધર્મોમાં પણ વધારો કરે છે.