(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે અમેરિકાના જીડીપીના ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા મજબૂત વલણ ઉપરાંત રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્ધઝમ્પશન એક્સ્પેન્ડિચર (પીસીઈ) ડેટા પર સ્થિર થઈ હોવાથી લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા ભાવમાં ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ ઘટી આવ્યા હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ગઈકાલની પ્રજાસત્તાક દિનની જાહેર રજા બાદ આજે પાંખાં વેપાર રહ્યા હતા તેમ જ વૈશ્ર્વિક ઓવરનાઈટ અહેવાલને ધ્યાનમાં લેતા ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૯૮નો અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. ૫૧નો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૦ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ગઈકાલની રજા બાદ ઔદ્યોગિક વપરાશકારોની પ્રબળ માગ અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૯૮ વધીને ફરી રૂ. ૬૮,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૬૮,૧૯૨ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં ગઈકાલના વિશ્ર્વ બજારના પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતાં ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, પરંતુ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ભાવ સાધારણ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૯૬૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૧૮૯ના મથાળે રહ્યા હતા.
વર્ષ ૨૦૨૨ના ચોથા ત્રિમાસિકગાળામાં અમેરિકાના જીડીપીમાં બજારની અપેક્ષા કરતાં સારી વૃદ્ધિ જોવા મળી હોવાથી ફેડરલ રિઝર્વ તેની આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં આક્રમક વધારાની ગતિ જાળવી રાખે તેવી ભીતિ સપાટી પર આવવાની સાથે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હતું. તેમ જ આજે મોડી સાંજે જાહેર થનારા પીસીઈ ડેટા પર રોકાણકારોની નજર હોવાથી તેઓએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૨૬.૦૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા ઘટીને ૧૯૨૭.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ઘટીને ઔંસદીઠ ૨૩.૭૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.