(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩થી ૩૫નો સુધારો આવ્યો હતો.
જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૩ પૈસાનો ઘટાડો આવ્યો હોવાથી સોનાની આયાત પડતર વધવાથી પણ સોનાના સુધારાને ટેકો મળ્યો હતો. જ્યારે આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૪૦નો ઘટાડો આવ્યો હતો. આજે સોનામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૦૦૦ની ઉપરની સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાથી રિટેલ સ્તરની માગ શુષ્ક રહેવા ઉપરાંત સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહી હોવા છતાં વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩ વધીને રૂ. ૬૦,૧૪૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૫ વધીને રૂ. ૬૦,૩૯૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ચાંદીમાં પણ સ્ટોકિસ્ટો અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પાંખી રહેતાં વિશ્ર્વ બજારથી વિપરીત ભાવ કિલોદીઠ રૂ. ૧૪૦ના ઘટાડા સાથે રૂ. ૭૪,૪૧૬ના મથાળે રહ્યા હતા.
ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૨૦૦૪.૧૦ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૮ ટકાના સુધારા સાથે ૨૦૧૮.૮૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાનાં ફુગાવાના ડેટા પર હોવાથી નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૫.૦૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જો આવતી કાલે જાહેર થનારા ફુગાવામાં વૃદ્ધિ જોવા મળશે તો અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી મે મહિનાની નાણાનીતિની સમીક્ષાની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનશે.