સોનાનું નામ લેતા જ ઝટકો લાગે તેટલા ભાવ વધ્યા છે. જેમણે પ્રસંગોપાત ફરજિયાતપણે સોનું ખરીદવું પડે છે તેમણે ભાવ જોઈ આંખે પાણી આવી જાય છે, પણ ગુજરાતમાં માહોલ કંઈક અલગ છે. આનું કારણ લગ્નની સિઝન અને એક મોટો વર્ગ આજેપણ સોનામાં રોકાણ કરવાનું માને છે તે છે. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સોનાના ભાવમાં વધારો થયો હોવા છતાં, ગુજરાતમાં ત્રિમાસિક ગાળા દરમિયાન સોનાની માંગ સારી રહી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર આ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતમાં સોનાની માંગમાં 17%ના ઘટાડા સામે, ગુજરાતમાં સોનાની આયાત આ જ અરસામાં 75% વધી હતી.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ મુજબ, જાન્યુઆરીથી માર્ચ 2023માં ભારતની સોનાની માંગ ઘટીને 112.5 મેટ્રિક ટન (MT) થઈ હતી, જે 17% આસપાસ ઘટી તેમ કહી શકાય.
તેની સામે, આ જ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સોનાની આયાત 14.69 મેટ્રિક ટન રહી હતી, જે 2022માં આ સમયગાળા દરમિયાન 8.39 મેટ્રિક ટનની સરખામણીએ 75% વધારે છે, એમ અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સ (AACC) તરફથી જાણવા મળે છે. અમદાવાદ બજારમાં ગુરુવારે સોનાનો ભાવ રૂ. 63,300 પ્રતિ 10 ગ્રામ હતો.
આ ધંધા સાથે જોડાયેલા આને લગ્નની મોસમની અને રોકાણકારોની માંગને જવાબદાર માને છે.
ગુજરાતમાં લગ્નની સિઝન જ્વેલરીના વેચાણ માટે સૌથી મોટું કારણ છે. ઉંચા ભાવને કારણે જુના સોનાની અદલાબદલી કરીને ઘણા બધા વ્યવહારો થતા હોય છે. જોકે, સોનાનું એકંદર વેચાણ ઘણું સારું રહ્યું હતું. વધુમાં, રોકાણકારોને એસેટ ક્લાસ તરીકે સોનામાં હજુ પણ સૌથી વધારે વિશ્વાસ ધરાવે છે. ઘણા લોકોએ આ સમયગાળા દરમિયાન બાર અને સિક્કાઓમાં રોકાણ કર્યું હતું. પરિણામે, ગુજરાતમાં સોનાની માંગ નોંધપાત્ર રીતે વધતી જણાઈ રહી છે.
સમગ્ર ભારતમાં સોનાની માંગમાં ઘટાડો મુખ્યત્વે ઊંચા ભાવને કારણે થયો હતો. ભારતમાં સોનાની માંગ ઘણી ઠંડી રહી છે. જ્વેલરી અને બાર અને સિક્કા બંનેની ભારતીય માંગમાં 17%નો ઘટાડો થયો છે. તે મોટે ભાગે ખૂબ ઊંચી કિંમતને કારણે છે.
ખૂબ જ ઊંચા અને અસ્થિર સોનાના ભાવને લીધે ખરીદનારના સેન્ટિમેન્ટને અસર થઈ છે તે હકીકત છે, તેમ પણ નિષ્ણાતો જણાવે છે.