(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ ગત ૬ જાન્યુઆરી પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હોવાના નિર્દેશ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૦ ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૪૭૨નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ અને જ્વેલરી ઉત્પાદકો તથા ઔદ્યોગિક વપરાશકારોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૭૨ના ઘટાડા સાથે રૂ. ૬૭,૬૦૬ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ ઓવરનાઈટ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકો નવી લેવાલીથી દૂર રહ્યા હતા. તેમ જ રિટેલ સ્તરની લગ્નસરાની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૦ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૨૨૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૩૬૫ના મથાળે રહ્યા હતા. આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને સોનામાં ઘટ્યા મથાળેથી રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી નીકળતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૭૫.૩૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકાના ઘટાડા સાથે ૧૮૭૪.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૨.૩૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, રોકાણકારોની નજર આજે મોડી સાંજે ઈકોનોમિક ક્લબ ઑફ વૉશિંગ્ટન ખાતે યોજાનાર એક પ્રસંગમાં અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં વક્તવ્ય પર સ્થિર થઈ હોવાથી રોકાણકારોનો સાવચેતીનો અભિગમ જોવા મળ્યો હતો.
આજના વક્તવ્યમાં જૅરૉમ પૉવૅલ આગામી વ્યાજદરમાં વધારા અંગે કેવું વલણ અપનાવશે તેના સંકેત આપે છે કે નહીં તેના પર રોકાણકારોએે મીટ માંડી છે. એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની ઊપજમાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં સોનાના ભાવમાં આવેલો સુધારો ભાવ સ્થિર થવા મથી રહ્યા હોવાનું જણાઈ રહ્યું હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે.