વૈશ્ર્વિક સોનું ૧૯૮૦થી ૨૦૨૦ ડૉલર આસપાસ કોન્સોલિડેટ થવાની ધારણા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં ધીમો સુધારો આગળ વધ્યો હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૬નો ઘસરકો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૮૮ ઘટી આવ્યા હતા. વધુમાં આજે ડૉલર સામે રૂપિયામાં સાધારણ ત્રણ પૈસાનો ઘટાડો આવ્યો હોવાથી સોનાના ભાવ પર તેની ખાસ અસર જોવા નહોતી મળી.
આજે સ્થાનિક ઝવેરી બજારમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૮૮ ઘટીને રૂ. ૭૪,૬૪૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ તેમ જ રિટેલ સ્તરની ખપપૂરતી લેવાલી ઉપરાંત જૂના સોનામાં વેચવાલીનું દબાણ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૬ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૩૫૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૪૭૯ના મથાળે રહ્યા હતા.
ન્યૂ યોર્ક સ્ટેટમાં પાંચ મહિનામાં પહેલી વખત ઉત્પાદન પ્રવૃત્તિમાં સુધારો થયો હોવાના તેમ જ સતત ચોથા એપ્રિલ મહિનામાં સિંગલ ફેમિલી હોમબિલ્ડર્સનાં ડેટા પ્રોત્સાહક આવ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી મે મહિનાની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતાં ડૉલર ઈન્ડેક્સ મજબૂત થવાથી ગઈકાલે (સોમવારે) સોનાના ભાવ ઘટીને બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. હાલના તબક્કે વિશ્ર્લેષકો વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૧૯૮૦થી ૨૦૨૦ ડૉલર આસપાસ કોન્સોલિડેટ થાય તેવી ધારણા મૂકી રહ્યા છે. દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં હાજર અને વાયદામાં સોનાના ભાવ ૦.૪ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૨૦૦૨.૭૨ ડૉલર અને ૨૦૧૫.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, રોકાણકારો અમેરિકી ફેડરલ રિઝર્વની નાણાનીતિ અંગે વધુ સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૫.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.