(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠક પૂર્વે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં તેમ જ ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૩થી ૨૧૪નો કડાકો બોલાઈ ગયો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવે ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭,૦૦૦ની સપાટી ગુમાવી હતી. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પણ ડૉલર સામે રૂપિયો ૪૧ પૈસા ગબડ્યો હોવાથી સ્થાનિક સોનાચાંદી બજારમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનાના ભાવમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. તેમ જ વિશ્ર્વ બજાર પાછળ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૭૮ ઘટી આવ્યા હતા. આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૭૮ના ઘટાડા સાથે રૂ. ૬૭,૬૭૧ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૩ના ઘટાડા સાથે રૂ. ૫૬,૬૩૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૧૪ ઘટીને રૂ. ૫૬,૮૬૫ના મથાળે રહ્યા હતા. દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ તેમ જ ફેડરલની બેઠક પૂર્વે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવતા હાજરમાં ભાવ ગઈકાલના બંધથી ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૦૬.૫૧ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૯ ટકા ઘટીને ૧૯૨૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે આજે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં આ મહિનામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૪.૫ ટકા જેટલો સુધારો નોંધાયો હોવાના અહેવાલ હતા. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધથી ૧.૯ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૩.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આવતીકાલે સમાપન થતી ફેડરલ રિઝર્વની બેઠકમાં નીતિઘડવૈયાઓ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડીને ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. આથી આ સપ્તાહ દરમિયાન સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૧૯૦૦થી ૧૯૨૫ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.