નવી દિલ્હી: મજબૂત વૈશ્ર્વિક વલણો વચ્ચે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ રૂ. ૧,૪૦૦ વધીને રૂ. ૬૦,૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામની લાઇફ ટાઇમ હાઇસપાટીએ પહોંચ્યું હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝના રિપોર્ટમાં જણાવાયું છે. સોનાનો પાછલો બંધ ભાવ રૂ. ૫૮,૭૦૦ પ્રતિ ૧૦ ગ્રામ હતો.
સેન્સેક્સ ૯૦૫ પોઇન્ટ નીચે જઇને ૫૫૪ પોઇન્ટ પાછો ફર્યો અને ૩૬૧ પોઇન્ટ નીચી સપાટીએ સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી ૧૭,૦૦૦ની નીચે સરકી ગયો હતો.
એ જ રીતે, ચાંદી પણ રૂ. ૧,૮૬૦ના વધારા સાથે રૂ. ૬૯,૩૪૦ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી. વરિષ્ઠ વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે, દિલ્હીના બજારોમાં હાજર સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૧,૪૦૦ વધીને રૂ. ૬૦,૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામ બોલાયો હતો.
વિશ્ર્વ બજારમાં, સોના અને ચાંદીના ભાવ અનુક્રમે ઔંસ દીઠ ૨,૦૦૫ ડોલર અને ૨૨.૫૫ પ્રતિ ઔંસ પ્રતિ ડોલર બોલાયા હતા. કોમેક્સ સોનાના ભાવ સોમવારે એશિયન ટ્રેડિંગ અવર્સમાં ઔંસ દીઠ ૨,૦૦૫ ડોલરની નવી વાર્ષિક ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
અમેરિકાની બેન્કિંગ કટોકટીએ વૈશ્ર્વિક બજારોને હચમચાવી નાખ્યા અને તેને કારણે ફુગાવા સામેની લડતમાં ફેડરલ ઓછું આક્રમક રહેવાની આશા વચ્ચે બુલિયનમાં ઉછાળો ચાલુ રહ્યો હોવાથી સ્થાનિક મોરચે સોનું રૂ. ૬૦,૦૦૦ની નવી લાઇફટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું હોવાનું મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના કોમોડિટી રિસર્ચ હેડે જણાવ્યું હતું.