(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક સ્તરે નિયામકો દ્વારા બૅન્કિંગ ક્ષેત્રને ઉગારવા માટે થઈ રહેલા પ્રયાસો અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં હાજર અને વાયદામાં મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો હતા. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કીંમતી ધાતુઓમાં ઘટ્યા મથાળેથી છૂટીછવાઈ માગનો ટેકો મળતાં ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨થી ૭૩નો સુધારો આવ્યો હતો.
જોકે, આજે ડૉલર સામે રૂપિયામાં ૧૫ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે ચાંદીમાં પણ ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩૧ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે સોનામાં ઘટ્યા મથાળેથી પ્રવર્તમાન રિટેલ સ્તરની લગ્નસરાની માગ ખૂલી હતી. તેમ જ છૂટીછવાઈ જ્વેલરી ઉત્પાદકો અને સ્ટોકિસ્ટોની માગ ખૂલતાં સત્રના અંતે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨ વધીને રૂ. ૫૮,૭૨૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૩ વધીને રૂ. ૫૮,૯૬૫ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે ચાંદીમાં છૂટીછવાઈ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩૧ના સુધારા સાથે રૂ. ૬૯,૫૦૦ના મથાળે રહ્યા હતા.
વૈશ્ર્વિક સ્તરે ઉદ્ભવેલી બૅન્કિંગ ક્ષેત્રની કટોકટી દૂર કરવા માટે નિયામકો દ્વારા પ્રયાસો થઈ રહ્યાના નિર્દેશો સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે રોકાણકારોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલીનું દબાણ રહ્યું હોવા છતાં આજે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ ૧૯૫૬.૫૦ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ૧૯૫૮.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૦૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી મે મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૧૯૩૩ ડૉલર સુધી ઘટે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, લાંબાગાળે વૈશ્ર્વિક આર્થિક મંદીની શક્યતાઓને ધ્યાનમાં લેતાં આગામી થોડા સમયગાળા દરમિયાન સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ જળવાઈ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં વર્ષ ૨૦૨૩નાં બીજા છમાસિકગાળા સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૦૭૧ ડૉલરની પ્રતિકારક સપાટી તોડીને ૨૧૪૮ ડૉલર સુધી વધે તેવી શક્યતા રૉઈટર્સના ટૅક્નિકલ એનાલિસ્ટ વૉન્ગ તાઓએ વ્યક્ત કરી હતી.