મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતીનું વલણ જળવાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા તરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ રહ્યો હોવાથી ભાવમાં ગાબડાં પડ્યાં હતા, જેમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૨૪૪૧ ગબડીને રૂ. ૭૩,૦૦૦ની અંદર ઉતરી ગયા હતા અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪૬થી ૫૪૮નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બાર પૈસા તૂટીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વૈશ્વિક બજારની તુલનામાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ કિલોદીઠ રૂ. ૨૪૪૧ તૂટીને રૂ. ૭૨,૩૫૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની વેચવાલી સામે વધુ ભાવઘટાડાના આશાવાદે રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકો નવી ખરીદીથી દૂર રહ્યા હતા. તેમ જ રિટેલ સ્તરની લેવાલી પણ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪૬ ઘટીને રૂ. ૬૦,૭૯૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪૮ ઘટીને રૂ. ૬૧,૦૩૭ના મથાળે રહ્યા હતા. દરમિયાન ગઈકાલે અમેરિકાના જાહેર થયેલા બેરોજગારીના ડેટામાં ઉછાળો આવ્યો હોવાના અને ગયા મહિને ઉત્પાદન ખર્ચમાં વર્ષાનુવર્ષ ધોરણે ધીમો વધારો થયાના અહેવાલ બાદ ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ વધી આવ્યા હતા. જોકે, ત્યાર બાદ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનામાં ભાવવધારો ધોવાઈ ગયો હતો. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ મજબૂત રહેતાં સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવતાં હાજરમાં ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ૨૦૧૦.૬૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકા ઘટીને ૨૦૧૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૦.૭ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪.૦૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકા ખાતે બેરોજગારીમાં થયેલા વધારા સાથે આર્થિક વૃદ્ધિની અને બૅન્કિંગ ક્ષેત્રની કટોકટીની ચિંતા સપાટી પર આવી છે. જોકે, પ્રવર્તમાન દેવાની ટોચ મર્યાદા અંગે અમેરિકી પ્રમુખ જૉ બિડેન અને કાયદાના ઘડવૈયાઓ સાથેની બેઠક પાછી ઠેલાઈને આગામી સપ્તાહના આરંભમાં રાખવામાં આવી હોવાના અહેવાલ હતા. આમ હવે રોકાણકારોની નજર આગામી સપ્તાહની બેઠક પર સ્થિર થઈ છે. સામાન્યપણે આર્થિક અનિશ્ચિતતાના સંજોગોમાં રોકાણકારોની સલામતી માટેની માગ નીકળતી હોય છે. જોકે, ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા મુકાઈ રહી હોવા છતાં રોકાણકારો સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા હોવાનું વિશ્લેષકો જણાવે છે.