ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠથી સોનામાં રૂ. ૭૬૩નો અને ચાંદીમાં રૂ. ૧૦૦૦નો ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી )

મુંબઈ: ગત ઑક્ટોબર મહિનામાં અમેરિકા ખાતે ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં વધુ ઘટાડો જોવા મળ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ સાથે મળતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ મંદ પાડે તેવી શક્યતા પ્રબળ થવાને કારણે આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધુ ૦.૩ ટકા ઘટીને ક્વૉટ થતાં લંડન ખાતે સોનાના ભાવમાં વધુ ૦.૪ ટકાની આગેકૂચ જળવાઈ રહેતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૬૦થી ૭૬૩નો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ૫૩ પૈસા ઊંચકાઈ જવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે વિશ્ર્વ બજાર પાછળ ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૧૦૦૦નો ચમકારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦૦૦ના ઉછાળા સાથે રૂ. ૬૨,૨૦૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૬૦ વધીને રૂ. ૫૨,૦૬૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૬૩ વધીને રૂ. ૫૨,૨૭૭ના મથાળે રહ્યા હતા.
ગત ઑક્ટોબર મહિનામાં અમેરિકામાં ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં વધુ ઘટાડો જોવા મળતાં અમેરિકી ફેડરલ રિઝર્વ તેની આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવાની ગતિ ધીમી પાડે તેવો આશાવાદ નિર્માણ થતાં ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડો અને સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. વધુમાં આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધુ ૦.૩ ટકાના ઘટાડા સાથે ક્વૉટ થતાં લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૧૭૬૧.૭૩ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા અને સાપ્તાહિક ધોરણે ભાવમાં જુલાઈ ૨૦૨૦ પછીનો સૌથી વધુ ૪.૭ ટકાનો વધારો થયો હતો. તેમ જ વાયદામાં ભાવ ૦.૬ ટકા વધીને ૧૭૬૪.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૧.૫૦ ટકાની તેજી સાથે ઔંસદીઠ ૨૧.૯૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ફુગાવામાં જોવા મળેલા ઘટાડા સાથે ૭૧.૫ ટકા બજાર વર્તુળો અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૧૩-૧૪ ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરશે એવું માની રહ્યા છે. તાજેતરમાં વૈશ્ર્વિક સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યા બાદ આગામી ટૂંકા સમયગાળામાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૧૭૬૨થી ૧૭૬૭ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહે એવું વિશ્ર્લેષકોનું મંતવ્ય છે.