(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં જાહેર થયેલા ઑક્ટોબર મહિનાના રોજગારીના આંકડાઓમાં રોજગારોની સંખ્યામાં બજારની અપેક્ષા કરતાં વધુ ઉમેરો થયો હતો, પરંતુ બેરોજગારીનો દર વધીને ૩.૭ ટકાના સ્તરે રહ્યો હોવાનું શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું. આમ એકંદરે શ્રમ બજાર કથળી રહી હોવાનાં સંકેત મળતાં ફેડરલ રિઝર્વ નાણાનીતિ હળવી કરે તેવો આશાવાદ નિર્માણ થતાં ડૉલર ઈન્ડેક્સમાં ૧.૬ ટકા જેટલું ગાબડું પડી ગયું હતું અને ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સત્રના અંત પૂર્વે હાજરમાં સોનાના ભાવ ત્રણ ટકાના ઉછાળા સાથે ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો આવતા લંડન ખાતે સત્રના આરંભે સોનામાં વધ્યા મથાળેથી નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો હતા. આમ એકંદરે આજના નરમાઈતરફી અહેવાલ છતાં ગત શુક્રવારના પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૩૬થી ૪૩૮ની અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૨૬૪ની તેજી સાથે રૂ. ૬૦,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
એકંદરે આજે સોનામાં તેજીનો પવન ફૂંકાઈ જતાં સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી નીકળી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૩૬ વધીને રૂ. ૫૦,૭૫૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૩૮ વધીને રૂ. ૫૦,૯૬૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૬૪ના ઉછાળા સાથે ફરી રૂ. ૬૦,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૬૦,૦૧૯ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી ૦.૨ ટકા જેટલો સુધારો આવ્યાના નિર્દેશો સાથે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કીમતી ધાતુમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી, જેમાં હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૦.૬ ટકા ઘટીને ૧૬૭૦.૦૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા ઘટીને ૧૬૭૩.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ ૧.૮ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૦.૪૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકામાં ઑક્ટોબર મહિનામાં બેરોજગારીનાં દરમાં વધારો થવાની સાથે હવે રોકાણકારોની નજર આ સપ્તાહે જાહેર થનારા ફુગાવાના ડેટા પર સ્થિર થઈ છે કેમ કે ફુગાવાની વધઘટ પર ફેડરલ રિઝર્વનો વ્યાજદર વધારવાનો નિર્ણય અવલંબિત રહેશે. જો ફુગાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળે તો ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિ વિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારાને બ્રેક મારશે અથવા તો ઓછો વ્યાજદરમાં વધારો કરશે અને ડૉલર ઈન્ડેક્સ તથા ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ થતાં સોનાની તેજીનો માર્ગ મોકળો થયા તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.