મુંબઈ: અમેરિકાના ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો ઊંચી સપાટીએ રહ્યાના ઓવરનાઈટ અહેવાલ બાદ આજે રોકાણકારોની નજર અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૨૧-૨૨ માર્ચની નીતિવિષયક બેઠક પર હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં સાધારણ સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કીમતી ધાતુઓમાં આગેકૂચ જળવાઈ રહી હતી, જેમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૬૮૫ની અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૭નો સુધારો આગળ ધપ્યો હતો. જેમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૮,૦૦૦ની લગોલગ પહોંચ્યા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને વૈશ્ર્વિક ચાંદીના ભાવમાં ૦.૩ ટકાનો સુધારો આવ્યાના અહેવાલ સાથે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૮૫ના સુધારા સાથે રૂ. ૬૬,૮૬૧ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૨૮ પૈસા ગબડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી હાજરમાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૯૭ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૬૭૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૯૦૨ના મથાળે બંધ રહ્યા હતા. જોકે, હાલ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭,૦૦૦ની સપાટી પાર કરી ગયા હોવાથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.