અમેરિકામાં ફુગાવો ઘટ્યો છતાં ફેડરલના વ્યાજદરમાં વધારાની ભીતિએ વૈશ્ર્વિક સોનામાં મર્યાદિત ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે ગત માર્ચ મહિનામાં ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ ઘટાડો થયો હોવાના નિર્દેશ છતાં અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે જાહેર થયેલી છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો અટકાવે તે પૂર્વે એક વખત વધુ વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતાં આજે લંડન ખાતે સોનામાં મર્યાદિત માત્રામાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં પણ સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.
આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૬થી ૨૬૭નો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૨૯ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર ઘટતાં વિશ્ર્વ બજારની તુલનામાં ઓછો સુધારો જોવા મળ્યો હતો. વધુમાં આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૨૯વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૨૯ વધીને રૂ. ૭૫,૮૬૯ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ સુધારાતરફી વલણ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૬ વધીને રૂ. ૬૦,૬૩૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૬૭ વધીને રૂ. ૬૦,૮૮૦ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહી હતી. ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના ફુગાવાના ડેટાને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો અટકાવે તેવી સ્થિતિની નજીક છે તેવું જણાતા ગઈકાલે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થયો હોવાથી સોનામાં સુધારાતરફી વલણ રહ્યું હતું. તેમ છતાં સાન ફ્રાન્સિસકો ફેડનાં પ્રેસિડૅન્ટ મેરી ડેલે અને રિચમોન્ડ ફેડનાં પ્રેસિડૅન્ટે ફુગાવાને બે ટકા સુધી ઘટાડવા માટે ધિરાણના વધુ કડક ધોરણોની આવશ્યકતા વ્યક્ત કરતાં સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા વધીને ૨૦૨૬.૨૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૮ ટકા વધીને ૨૦૪૦.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૫.૫૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.