(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવામાં આક્રમક અભિગમ નહીં અપનાવે એવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો આવતાં લંડન ખાતે આજે સત્રના આરંભે સોનાના હાજર તેમ જ વાયદાના ભાવમાં ૦.૬ ટકા જેટલો અને ચાંદીમાં ૧.૩ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૩નો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૮ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવમાં સુધારો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૮૨ની આગેકૂચ જોવા મળી હતી. આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૮૨ વધીને રૂ. ૬૭,૫૧૬ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં વિશ્ર્વ બજાર પાછળ ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૩ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૩૦૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૭,૫૩૮ના મથાળે રહ્યા હતા. જોકે, વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી મર્યાદિત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન ગઈકાલે ઈકોનોમિક ક્લબ ઑફ વૉશિંગ્ટન ખાતે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે તેમનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે ફુગાવાનો લક્ષ્યાંકિત બે ટકાનો દર હાંસલ કરવામાં હજુ થોડો સમય જશે અને જરૂર મુજબ વ્યાજદરમાં વધારો કરવામાં આવશે. આમ ફેડરલ રિઝર્વ હવે વ્યાજદર વધારવામાં બહુ આક્રમક અભિગમ નહીં અપનાવે એવું જણાતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૧૮૮૪.૦૬ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા વધીને ૧૮૮૩.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૧.૩ ટકા વધીને ૨૨.૪૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે ફેડરલ ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે રિઝર્વ વ્યાજદરમાં ધીમો વધારો કરશે અથવા તો હાલની સપાટી જાળવી રાખશે.