મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં ગત સપ્તાહના અંતે અમેરિકાના ફુગાવાની જાહેરાત પશ્ર્ચાત્ સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યાના અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સપ્તાહના આરંભે ખાસ કરીને સોના અને ચાંદીના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં વિશ્ર્વ બજાર પાછળ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦નો સાધારણ સુધારો આવ્યો હતો. જોકે, આજેે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૭ પૈસા મજબૂત થયો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે સોનામાં વિશ્ર્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં વિશ્ર્વ બજારથી વિપરીત ભાવમાં કિલોદીઠ રૂ. ૬૯નો ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૯ના ઘટાડા સાથે રૂ. ૬૭,૭૫૩ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે રોકાણકારોની વધતા ફુગાવાના જોખમો સામેની હેજરૂપી છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦ વધીને અનુક્રમે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪,૧૬૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪,૩૮૬ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગત શુક્રવારે અમેરિકાના ફુગાવાની જાહેરાત પશ્ર્ચાત્ સોનામાં રોકાણકારોની હેજરૂપી લેવાલીને ટેકે ભાવ આગલા બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૭૯૬.૫૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૧૮૦૪.૨ ડૉલર આસપાસના મથાળે અને ચાંદીના ભાવ ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૭૦ ડૉલર આસપાસ રહ્યા હતા.