(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનામાં રોકાણકારોના વેચાણ કપાતા ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સોના-ચાંદીના ભાવમાં ધીમો સુધારો આગળ વધ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કીંમતી ધાતુઓના ભાવમાં સુધારો આવ્યો હતો.
જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૯થી ૨૫૦નો મર્યાદિત સુધારો જોવા મળ્યો હતો. તેમ છતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. વધુમાં આજે સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૮૩૩નો ચમકારો આવ્યો હતો.
સ્થાનિક ઝવેરી બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા બંધથી ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૯ વધીને રૂ. ૫૪,૦૩૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૫૦ વધીને રૂ. ૫૪,૨૪૮ની સપાટીએ રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪,૦૦૦ આસપાસની ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાથી ખાસ કરીને સોનામાં રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની માગ પર અત્યંત માઠી અસર પડી છે. તેમ જ સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહેતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે .૯૯૯ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૩૩ વધીને રૂ. ૬૬,૮૯૮ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો જાળવી રાખશે, એવા સંકેતો આપ્યા હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં આગલા બંધથી ૦.૪ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાથી હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૭૯૭.૧૭ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૪ ટકા વધીને ૧૮૦૭.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૦.૬ ટકા વધીને ૨૩.૩૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વે વર્ષ ૨૦૨૩માં વ્યાજદરમાં વધારાનું વલણ જાળવી રાખવાના સંકેતો આપ્યા બાદ સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે નવેમ્બરના મધ્ય પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે, સપ્તાહના અંતે વેચાણો કપાતા ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો, પરંતુ એકંદરે અન્ડરટોન તો નરમાઈનો જ હોવાથી વિશ્ર્લેષકો આગામી ટૂંકા સમયગાળામાં સોનાના ભાવ માટે ઔંસદીઠ ૧૭૭૬ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવું માની રહ્યા છે અને જો આ ભાવસપાટી તૂટે તો ભાવ વધુ ૧૭૩૧થી ૧૭૪૮ ડૉલર સુધી ઘટવાની શક્યતા તેઓ વ્યક્ત કરી રહ્યા છે.