Homeઆમચી મુંબઈસોમવારથી મુંબઈનો આ મહત્ત્વનો બ્રિજ થશે બંધ, પર્યાયી માર્ગ જાહેર

સોમવારથી મુંબઈનો આ મહત્ત્વનો બ્રિજ થશે બંધ, પર્યાયી માર્ગ જાહેર

છ મહિનાની અંદર ગોખલે પુલની બે લેન ખુલ્લી મૂકી દેવાનો પાલિકાનો નિર્ધાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારી મુખ્ય લિંક ગણાતા ગોપાલ કૃષ્ણે ગોખલે પુલ સાત નવેમ્બર, સોમવારથી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવવાનો છે. તેથી અહીં ટ્રાફિકની ભયાનક સમસ્યા સર્જાવાની છે. એમ તો તેના માટે પર્યાયી માર્ગ જાહેર કરી દેવામાં આવ્યા છે, છતાં ગોખલે પુલ બંધ કરવામાં આવવાનો હોવાને કારણે ટ્રાફિક પોલીસનું જ નહીં, પણ આ પુલનો ઉપયોગ કરનારા વાહનચાલકોનું પણ અત્યારથી ટેન્શન વધી ગયું છે. ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ નવેસરથી બાંધવામાં આવનારા ગોખલે પુલની બે લેન આગામી છ મહિનામાં ખુલ્લી મૂકી દેવામાં આવશે એવો દાવો કર્યો છે.

નવેસરથી બાંધવામાં આવનારા ચાર લેનના પુલના કામ માટે લગભગ ૧૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે. પાલિકાના અધિકારીના કહેવા મુજબ પાલિકાની હદમાં આવતા પુલના એક તરફનું કામ પૂરું થઈ ગયું છે અને હવે રેલવેની હદમાં આવતા પુલની ડિઝાઈન આઈઆઈટીને મોકલવામાં આવશે અને રેલવે પાસેથી અંતિમ મંજૂરી લેવામાં આવશે. ત્યાર બાદ ડિસેમ્બરના મધ્ય સુધી ટેન્ડર બહાર પાડવાનું લક્ષ્યાંક છે. પુલનું કામ પૂરું કરવા માટે લગભગ ૧૮ મહિનાની મુદત નક્કી કરવામાં આવી છે. પાલિકાના અધિકારીના કહેવા મુજબ ચોમાસા પહેલાં આગામી છ મહિનામાં તેઓ રેલવે ઉપરના ભાગની બે લેન શરૂ કરવાનો લક્ષ્યાંક છે.

હાલ પાલિકાના હિસ્સામાં આવતા ગોખલે પુલના ડિમોલિશનનું કામ ચાલી રહ્યું છે અને હાલમાં ઉત્તર બાજુના પુલનો અડધો ભાગ તોડી પાડવામાં આવ્યો છે. પાલિકાએ પુલની રેલવેની હદમાં રહેલા ભાગને બાદ કરતા રોડ પરના બ્રિજનું કામ એપ્રિલ, ૨૦૨૨થી ચાલુ કર્યું હતું. તે માટે ૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. બાકીનો દક્ષિણ તરફનો અડધો ભાગ હળવાં વાહનો માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. જોકે આ પુલ જોખમી જણાઈ આવતા છેવટે તેને બંધ કરવામાં આવવાનો છે.

અહીં ઉલ્લેખનીય છે કે ૩ જુલાઈ, ૨૦૧૮માં ગોખલે પુલનો દક્ષિણ તરફનો અમુક હિસ્સો તૂટી પડ્યો હતો, જેમાં બે લોકોનાં મોત થયા હતાં. તો ૧૪ માર્ચ, ૨૦૧૯માં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસેનો હિમાલય પુલ તૂટી પડતાં સાતના મોત થયાં હતાં. આ દુર્ઘટના બાદ પાલિકાએ મુંબઈના તમામ પુલનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરીને આવશ્યક્તા મુજબ સમારકામ અને જોખમી પુલને નવેસરથી બાંધવાનો નિર્ણય લીધો હતો.

આ દરમિયાન ગોખલે પુલ નવેસરથી બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન પાલિકાએ નીમેલી એમસીજી ક્ધસલ્ટન્સી સર્વિસ કંપની પાસેથી ઑક્ટોબરમાં ગોખલે પુલનું સ્ટ્રક્ચર ઑડિટ કરવામાં આવ્યું હતું, જેમાં પુલ જોખમી હોવાનું જણાઈ આવતા તેને તાત્કાલિક તોડી પાડવા માટે સલાહ આપવામાં આવી હતી. પાલિકાએ પહેલી નવેમ્બરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક)ને પત્ર લખીને વાહનોની અવરજવર માટે આ પુલ બંધ કરવા માટે કહ્યું હતું.

વાહનચાલકો આ પર્યાયી રસ્તાનો ઉપયોગ કરી શકશે

સોમવાર સાત નવેમ્બરથી અંધેરીનો ગોપાલ કૃષ્ણ ગોખલે પુલ વાહનચાલકો માટે બંને તરફથી બંધ કરવામાં આવવાનો છે. અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો આ પુલ ટ્રાફિકની દ્દષ્ટિએ મહત્ત્વનો છે. તેથી વાહનચાલકોને થનારી અગવડને ધ્યાનમાં રાખીને મુંબઈ ટ્રાફિક પોલીસે વૈકલ્પિક રસ્તાઓની જાહેરાત કરી છે.
વાહનચાલકો ગોખલે પુલના પર્યાય તરીકે ખારમાં આવેલો ખાર સબ-વે, સાંતાક્રુઝમાં આવેલો મિલન સબ-વે ફ્લાયઓવર, વિલેપાર્લેમાં આવેલો કેપ્ટન ગોરે ફ્લાયઓવર, અંધેરી સબ-વે, જોગેશ્ર્વરીમાં આવેલો બાળાસાહેબ ઠાકરે ફ્લાયઓવર, ગોરેગાંવનો મૃણાલીતાઈ ગોરે ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -