ભારતમાં ગોવા જવાની તમન્ના દરેક લોકો રાખતા હોય છે. ઘણા લોકો ત્યાં ખૂલ્લેઆમ પાર્ટી કરવાની ફેન્ટસી ધરાવતા હોય છે, પરંતુ જાહેર સ્થળો પર પાર્ટીનું આયોજન કરનારા લોકો માટે ગોવા ટૂરિઝમ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાજ્યના પ્રવાસન વિભાગે ખુલ્લી જગ્યામાં જમવાનું બનાવવા પર અને ખુલ્લામાં દારૂ પીવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો સામે 50 હજાર રૂપિયાની દંડાત્મક કાર્યવાહી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. ગોવાની પ્રવાસન ક્ષમતાને બગડતી બચાવવા માટે આ આદેશ જારી કરવામાં આવ્યો હોવાનું સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું આ સાથે ખુલ્લામાં દારૂ પીવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગોવાના પ્રવાસન વિભાગે માલવાન (મહારાષ્ટ્ર) અને કારવાર (કર્ણાટક) જેવા રાજ્યની બહારના વિસ્તારોમાં વોટર સ્પોર્ટ્સ માટે અનધિકૃત ટિકિટના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ખુલ્લી જગ્યાએ ખોરાક બનાવવો, કચરો ફેલાવવો, ખુલ્લામાં દારૂ પીવો, બોટલો તોડવી વગેરે પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત એવી ગતિવિધિઓ જે પ્રવાસીઓની અવરજવરમાં અવરોધ ઊભો કરે અને વસ્તુઓ ખરીદવા માટે દબાણ કરતી આવી પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સાથે જ સતાવાર સ્થળો સિવાય અન્ય સ્થળો પર પ્રવાસન પ્રવૃત્તિઓ માટે ટિકિટના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે. નિયમોનું પાલન ન કરવા પર 5 હજાર રૂપિયા સુધીનું દંડ વસૂલવામાં આવશે અને વારંવાર નિયમ તોડવા પર 50 હાજર સુધીનો દંડ વસૂલી શકાય છે. આ સાથે જ IPC ની ધારા 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.