ગોવાના જંગલોમાં આગ… આગને કારણે દુર્લભ જૈવવિવિધતા નાશ પામી
ગોવામાંથી પસાર થતા પશ્ચિમ ઘાટમાં જંગલમાં આગ ફાટી નીકળી છેો. અહીંના જંગલમાં છેલ્લા છ દિવસથી આગ લાગી છે અને આ ગોવાના ઇતિહાસની સૌથી ભીષણ આગ માનવામાં આવે છે. આગ છ દિવસથી કાબૂમાં નથી આવી રહી અને અહીંના જંગલની દુર્લભ જૈવવિવિધતા નષ્ટ થઇ ગઇ છે. અધિકારીઓએ માહિતી આપી હતી કે આગામી સપ્તાહની શરૂઆત સુધીમાં આગને કાબૂમાં લઇ લેવામાં આવશે. પશ્ચિમ ઘાટ એ વિશ્વના આઠ જૈવવિવિધતા ધરાવતા હોટસ્પોટમાંથી એક છે. પશ્ચિમ ઘાટના આ જંગલમાં છ દિવસ પહેલા આગ લાગી હતી અને જંગલમાં ફેલાઇ ગઇ હતી. છઠ્ઠે દિવસે પણ જંગલો સળગી રહ્યા છે. ફાયર ફાઇટર આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
જોકે, દૂરના વિસ્તારો, તીવ્ર પવન અને ઊંચા તાપમાનને કારણે અગ્નિશમનના પ્રયાસોમાં અવરોધ આવી રહ્યા છે. દરમિયાન રાજ્ય સરકારે નેવી અને એરફોર્સ પાસે હેલિકોપ્ટરની માગણી કરી હતી, જે મુજબ નેવી અને એરફોર્સના હેલિકોપ્ટરોએ બામ્બી બકેટનો ઉપયોગ કરીને અગ્નિશમનની કામગીરી ચાલુ રાખી છેો. હાલમાં વન વિભાગની પ્રાથમિક્તા આગને કાબૂમાં લેવાની છે.
જંગલમાં લાગેલી ભયાનક આગ વિશે વાત કરતા વન મંત્રી વિશ્વજીત રાણેએ જણાવ્યું હતું કે વન વિભાગે આગનું કારણ શોધવા માટે દરેક જગ્યાએ તપાસ કરી છે. જોકે, આગ માનવસર્જિત હોવાની શંકા તેમણે વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ 1977થધી ગોવામાં છે અને આ આગ તેમણે જોયેલી સૌથી ભયંકર આગ છે. અહીંના જંગલ ભેજવાળા હોય છે તેથી સામાન્યત આગ લાગવાની શક્યતા બહુ જ ઓછી હોય છે, પણ કેટલાક લોકોએ અતિક્રમણ કરવા આગ લગાવી છે, એમ મારુ માનવું છે.