દેશના અનેક ભાગોમાં મોસમનો મિજાજ બદલાયેલો લાગે છે. કોઇ રાજ્યમાં માર્ચ મહિનામાં ભીષણ ગર્મી પડી રહી છે તો કોઇ રાજ્યમાં પ્રિ-મોન્સુન શાવરે લોકોને ચિંતામાં નાખી દીધા છે. મોસમના બદલાયેલા મિજાજથી દેશના કિસાનોની હાલત ભારે કફોડી થઇ છે. એમની ચિંતા અનેકગણી વધી ગઇ છે.
ગ્લોબલ વોર્મિંગના કારણે હવામાનમાં આવેલા બદલાવથી બધા ત્રસ્ત છે. કમોસમી વરસાદ અને ગરમીના કારણે દેશના ખેડૂતોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. ચોમાસા પહેલાના વરસાદ અને અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થવાનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 થી 18 માર્ચની વચ્ચે તેલંગાણા, મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, મરાઠવાડા, વિદર્ભ અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.
માર્ચના પ્રથમ સપ્તાહથી જ દેશના કેટલાક રાજ્યોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશમાં વરસાદ અને કરાથી પાકને નુકસાન થયું છે. હવે ફરીથી હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ચોમાસુ અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં 15 થી 16 માર્ચ વચ્ચે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાનશાસ્ત્રીઓના મતે હવામાનમાં આવા ફેરફારો પાછળ ગ્લોબલ વોર્મિંગ એક મોટું કારણ છે. આ વર્ષે ડિસેમ્બર અને ફેબ્રુઆરી મહિના 1901 પછી સૌથી ગરમ નોંધાયા હતા. ગ્લોબલ વોર્મિંગના કારણે આર્કટિક મહાસાગર પીગળી રહ્યો છે અને ગરમી રેકોર્ડ તોડી રહી છે. દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમી નોંધાઇ રહી છે. કેરળમાં માર્ચ મહિનામાં જ તાપમાને રેકોર્ડ તોડ્યો છે. તાપમાનનો પારો 54 ડિગ્રીને સ્પર્શી જતાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. હીટવેવના કારણે લોકોને ઘરની અંદર જ રહેવાની ફરજ પડી છે. હવામાનમાં અકાળે બદલાવના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.