આ વર્ષના અંત સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલર પહોંચવાની શક્યતા: જે પી મોર્ગન
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક સ્તરે બૅન્કિંગ ક્ષેત્રે કથળી રહેલી સ્થિતિને ધ્યાનમાં લેતાં તાજેતરમાં વૈશ્ર્વિક સોનામાં સલામતી માટેની માગનો પ્રબળ ટેકો મળતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવ એક તબક્કે એક ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૧૯૩૭.૨૮ ડૉલરની છ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, ત્યાર બાદ નફારૂપી વેચવાલી નીકળતાં ભાવમાં પીછેહઠ જોવા મળી હતી.
તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં સાધારણ સુધારો આગળ વધ્યો હતો. તેમ જ ચાંદીના ભાવમાં પણ ૦.૯ ટકાનો સુધારો આવ્યાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે હાજરમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૩૬થી ૪૩૯ની આગઝરતી તેજી સાથે રૂ. ૫૮,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા અને ચાંદીના ભાવે કિલોદીઠ રૂ. ૪૫૦ના ઉછાળા સાથે રૂ. ૬૭,૦૦૦ની સપાટી પાર કરી હતી. આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૫૦ની તેજી સાથે રૂ. ૬૭,૩૧૧ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં આંતરરાષ્ટ્રીય બજારના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા નબળો પડયો હોવાથી આયાત પડતરમાં વધારો થવાથી ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૩૬ વધીને રૂ. ૫૮,૧૦૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૪૩૯ વધીને રૂ. ૫૮,૩૪૧ના મથાળે રહ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર તાજેતરમાં સોનામાં આગઝરતી તેજી આવી હોવાથી ખાસ કરીને જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહી હતી, જ્યારે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની સલામતી પેટેની માગનો ટેકો મળ્યો હતો. ગઈકાલે ક્રેડિટ સુઈસ ગ્રુપ એજીએમાં નાણાકીય કટોકટી સર્જાઈ હોવાના અહેવાલ વહેતા થતાં યુરોપિયન ઈક્વિટી માર્કેટ ગબડ્યા હતા, પરંતુ આજે ક્રેડિટ સુઈસ જૂથ પ્રવાહિતા વધારવા માટે ૫૦ અબજ ફ્રાન્ક (૫૪ અબજ ડૉલર)નું ધિરાણ સ્વીસ નેશનલ બૅન્ક પાસેથી લેશે એવું નિવેદન કરતાં બજારમાં સુધારો જોવા મળ્યો હતો. તેમ છતાં રોકાણકારોમાં બૅન્કિંગ ક્ષેત્રની કટોકટીની ચિંતા સપાટી પર આવતા સોનામાં સલામતી માટેની માગ ખૂલી હતી અને ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર એક તબક્કે સોનાના એક ટકાની તેજી સાથે ભાવ વધીને છ સપ્તાહની ઊંચી ઔંસદીઠ ૧૯૩૭.૨૮ ડૉલરની સપાટીએ પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલીના દબાણે પીછેહઠ જોવા મળી હતી. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૩ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૧૯૨૪.૧૫ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકાના ઘટાડા સાથે ૧૯૨૮.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૯ ટકા વધીને ઔંસદીઠ ૨૧.૯૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તાજેતરની બૅન્કિંગ ક્ષેત્રની કટોકટીને ધ્યાનમાં લેતાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે ભાવમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના કૉમૉડિટી રિસર્ચ વિભાગના હેડ હારીશે જણાવ્યું હતું, જ્યારે જે પી મોર્ગનના વિશ્ર્લેષકે પ્રવર્તમાન બૅન્કિંગ ક્ષેત્રની સ્થિતિ, ફેડ દ્વારા રેટ કટ અને અમેરિકા ખાતે મંદીની શક્યતાઓને ધ્યાનમાં લેતાં સોનામાં સલામતી માટેની માગને ટેકે લાંબાગાળે અર્થાત્ આ વર્ષના અંત સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવ વધીને ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટીએ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.