Homeદેશ વિદેશવૈશ્ર્વિક સોનું ફરી ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતા સ્થાનિકમાં ₹ ૩૯૩ની તેજી,...

વૈશ્ર્વિક સોનું ફરી ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતા સ્થાનિકમાં ₹ ૩૯૩ની તેજી, ચાંદી ₹ ૬૮૭ ઊછળી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ ફુગાવાને અંકુશમાં રાખવા માટે હળવો અભિગમ અપનાવે એવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી નરમાઈનું વલણ જોવા મળતાં પુન: સોનામાં રોકાણકારોની આક્રમક લેવાલી નીકળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ફરી ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૯૧થી ૩૯૩ની તેજી આવી હતી. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૪ પૈસાના સુધારા સાથે ૮૧.૦૪ના મથાળે રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૬૮૭ ઊછળી આવ્યા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૯૧ વધીને રૂ. ૫૨,૬૧૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૯૩ વધીને રૂ. ૫૨,૮૨૩ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ભાવમાં તેજીનું વલણ રહેતાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો સહિત રિટેલ સ્તરની લેવાલી પણ ખપપૂરતી રહી હતી. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નીકળેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૮૭ના ઊછાળા સાથે રૂ. ૬૨,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૬૨,૨૭૦ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વનાં ઉપાધ્યક્ષ લાએલ બર્નાર્ડે ગઈકાલે ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં જ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે તેવી શક્યતા વ્યક્ત કરવાની સાથે આ દિશામાં ફેડરલે ઘણાં પરિબળો અંગે વિચારણા કરવી પડશે, એમ જણાવતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ગત ૧૫ ઑગસ્ટ પછીની સૌથી ઊંચી ૧૭૭૭.૨૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ૧૭૮૦.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળતાં આ મહિનામાં વૈશ્ર્વિક સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ઔંસદીઠ ૧૬૦ ડૉલરની તેજી આવી છે. વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે એવું ૮૯ ટકા ટ્રેડરોનું માનવું છે, જ્યારે ૧૧ ટકા ટ્રેડરો ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ધારણા મૂકી રહ્યા છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -