વર્ષ ૨૦૨૩માં ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની પ્રબળ માગે ભાવ ઔંસદીઠ ૩૨ ડૉલર સુધી પહોંચવાની ધારણા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ધીમો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં ગઈકાલે મહારાષ્ટ્ર દિનની જાહેર રજા બાદ મધ્યસત્ર દરમિયાન ચાંદીમાં ઘટ્યા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૩૬૫નો સુધારો આવ્યો હતો, પરંતુ આજે ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. બાવનનો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૬૫ વધીને રૂ. ૭૪,૨૩૩ના મથાળે રહ્યા હતા, જ્યારે મધ્યસત્ર દરમિયાન સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ પણ અત્યંત પાંખી હોવા છતાં રૂપિયો નબળો પડવાથી આયાત પડતર વધવાને કારણે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. બાવન વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯,૯૭૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૨૨૦ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજથી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકનો આરંભ થઈ રહ્યો છે અને રોકાણકારોની નજર વ્યાજદર વધારા અંગેના નિર્ણય તેમ જ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો અટકાવવાના અને ઘટાડો કરવાના નિર્દેશો આપે છે કે કેમ તેના પર સ્થિર થઈ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી હાજરમાં ભાવ સાંકડી વધઘટે ઔંસદીઠ ૧૯૮૩.૮૯ ડૉલર અને વાયદામાં ભાવ ઔંસદીઠ ૧૯૯૨.૧૦ ડૉલર આસપાસની સપાટીએ ટકેલાં રહ્યાં હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪.૮૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગત એપ્રિલ મહિનામાં અમેરિકાના મેન્યુફેક્ચરિંગ આંકમાં ઘટાડો થયો હતો, પરંતુ ફુગાવાલક્ષી દબાણને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ધારણા મૂકાઈ રહી છે. તેમ જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પણ આગામી ગુરુવારની નીતિવિષયક બેઠકમાં વ્યાજદર વધારે તેવી શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા છે.
જો ફેડરલ રિઝર્વ આર્થિક મંદીની ચિંતાને ધ્યાનમાં લેતાં વ્યાજદર વધારો અટકાવવાની જાહેરાત કરે તો સોનાના ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા કેડિયા કૉમૉડિટીઝનાં ડિરેક્ટર અજય કેડિયાએ વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૨૩માં ખાસ કરીને ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગ પ્રબળ રહેતાં ભાવ વધીને ઔંસદીઠ ૩૨ ડૉલર સુધી પહોંચે તેવી અમે ધારણા મૂકી રહ્યા છીએ.