Homeદેશ વિદેશ વૈશ્વિક સોનું બે મહિનાના તળિયે પહોચતા સ્થાનિકમાં રૂ. ૨૪૫નો ઘટાડો, ચાંદી રૂ....

 વૈશ્વિક સોનું બે મહિનાના તળિયે પહોચતા સ્થાનિકમાં રૂ. ૨૪૫નો ઘટાડો, ચાંદી રૂ. ૧૨૨૭ તૂટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકાના આર્થિક ડેટાઓ મજબૂત આવતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતાં આજે લંડન ખાતે સોનાના ભાવ ઘટીને બે મહિનાની નીચી સપાટીએ પહોચતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૪થી ૨૪૫નો ઘટાડો આગળ ધપ્યો હતો. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૦ પૈસાનો ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે વૈશ્વિક ચાંદીમાં ૦.૬ ટકા જેટલો ઘટાડો આવતાં સ્થાનિકમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૨૨૭ ઘટી આવ્યા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોનો નવી લેવાલીમાં નિરુત્સાહ તેમ જ રિટેલ સ્તરની ખપપૂરતી માગ જળવાઈ રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૪ ઘટીને રૂ. ૫૫,૪૮૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૪૫ ઘટીને રૂ. ૫૫,૭૧૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૨૨૭ તૂટીને રૂ. ૬૩,૧૦૪ના મથાળે રહ્યા હતા. તાજેતરમાં જાહેર થયેલા અમેરિકાના આર્થિક ડેટાઓ પ્રોત્સાહક રહેતાં અમેરિકી ફેડરલ રિઝર્વ વધતા ફૂગાવાને ડામવા માટે આક્રમક નાણાનીતિ અપનાવીને વ્યાજદરમાં મોટો વધારો કરે તેવી ભીતિ સપાટી પર રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૧ ટકા ઘટીને બે મહિનાની નીચી ઔંસદીઠ ૧૮૦૯.૮૯ ડૉલરની સપાટીએ અને વાયદામાં ભાવ આગલા બંધ આસપાસની ઔંસદીઠ ૧૮૧૬.૩૦ ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦.૯૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તાજેતરમાં અમેરિકા ખાતે ક્ધઝ્યુમર સ્પેન્ડિંગ ઈન્ડેક્સ (ગ્રાહકલક્ષી ખર્ચના આંક)માં વધારો અને બેરોજગારી ભથ્થું મેળવનારાઓની સંખ્યામાં થયેલા અનપેક્ષિત ઘટાડાને ધ્યાનમાં લેતાં ફુગાવમાં થનારી અપેક્ષિત વૃદ્ધિને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવામાં આક્રમક વલણ અપનાવે તેવી શક્યતા વ્યક્ત કરતાં જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના કૉમૉડિટી રિસર્ચ હેડ હરીશ વીએ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ઊંચા વ્યાજદરને કારણે સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારો નવી ખરીદીથી દૂર રહેતાં હોય છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અમેરિકી ટ્રેઝરી સચિવ જૅનૅટ યૅલૅને જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનામાં ફુગાવામાં થયેલી વૃદ્ધિ દર્શાવે છે કે ફુગાવો ડામવા માટેની લડત વધુ ચાલશે. વિશ્લેષકોના મતાનુસાર હાલને તબક્કે સોનાના વૈશ્વિક વાયદામાં ઔંસદીઠ ૧૮૧૬ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી છે અને જો આ સપાટી તૂટે તો ભાવ ઔંસદીઠ ૧૭૯૩ ડૉલર સુધી ઘટી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -