Homeવેપાર વાણિજ્યફેડરલની બેઠક પૂર્વે વૈશ્ર્વિક સોનું સાંકડી વધઘટે અથડાયું

ફેડરલની બેઠક પૂર્વે વૈશ્ર્વિક સોનું સાંકડી વધઘટે અથડાયું

લંડન: આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા, જ્યારે ચાંદીના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાના અહેવાલ હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે સત્ર દરમિયાન ઔંસદીઠ ૧૯૭૬.૮૯ ડૉલર સુધી ઘટ્યા બાદ ડૉલર ઈન્ડેક્સ દબાણ હેઠળ આવ્યાના નિર્દેશો સાથે ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો અને ભાવ ગત આગલા બંધની આસપાસ ૧૯૮૯.૦૬ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૧ ટકા ઘટીને ૧૯૯૭.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી એક ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૨૫.૨૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે ઈન્ટરનેશનલ લેબર ડે નિમિત્તે એશિયા અને યુરોપની ઘણી બજારો બંધ રહી હતી. ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બે દિવસીય નીતિવિષયક બેઠક આવતીકાલથી શરૂ થઈ રહી છે અને બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ધારણા રોકાણકારો વ્યક્ત કરી રહ્યા છે. એકંદરે આ વર્ષના અંત આસપાસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તેવો આશાવાદ બજાર વર્તુળો રાખી રહ્યા હોવાથી વૈશ્ર્વિક સોનાને ઔંસદીઠ ૧૯૦૦ ડૉલરની ઉપરની સપાટીએ ટેકો મળી રહ્યો હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે જો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થગિત કરવાનો નિર્દેશ આપે તો સોનાના ભાવ ફરી ઔંસદીઠ ૨૦૦૦ ડૉલર આસપાસ પહોંચી શકે છે.
વધુમાં રોકાણકારો જેપી મોર્ગન ચેઝ ઍન્ડ કંપનીની ફર્સ્ટ રિપબ્લિક બૅન્કની બહુધા અસ્ક્યામતો અને અમુક જવાબદારીઓ હસ્તગત કરવાની જાહેરાતની આકારણી પણ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત એપ્રિલ મહિનામાં બૅન્કિંગ ક્ષેત્રમાં થયેલા ધોવાણને કારણે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે ભાવમાં માસિક ધોરણે એક ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. જોકે, ફેડરલ રિઝર્વ બેઠકના અંતે વ્યાજદર વધારા માટે આક્રમક અભિગમ જાળવી રાખવાના સંકેત આપશે તો સોનામાં વધુ પીછેહઠ જોવા મળે તેવી શક્યતા પણ અમુક વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -