(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો આવી ગયાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૯થી ૧૭૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૬૫૬ ગબડી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં ૧.૨ ટકા જેટલો કડાકો બોલાઈ જતાં સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીમાં નિરુત્સાહ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ કિલોદીઠ રૂ. ૬૫૬ના ઘટાડા સાથે રૂ. ૭૪,૭૬૩ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં નરમાઈ ઉપરાંત સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૯ ઘટીને રૂ. ૬૦,૨૦૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૭૦ ઘટીને રૂ. ૬૦,૪૪૬ના મથાળે રહ્યા હતા. આજે અખાત્રીજ પૂર્વે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હોવા છતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીની ઉપર જ પ્રવર્તી રહ્યા હોવાથી અખાત્રીજની માગ શુકન પૂરતી જ રહે તેવી ધારણા જ્વેલરો મૂકી રહ્યા છે.
આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પર્ચેઝિંગ મૅનૅજર્સ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ હોવાથી સોનામાં રોકાણકારોની લેવાલી પાંખી રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી એક ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૯૮૪.૮૯ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૨ ટકાના ઘટાડા સાથે ૧૯૯૫.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪.૯૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી મે મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા ૮૨.૬ ટકા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, ક્લેવલેન્ડ ફેડના પ્રમુખ લોરેટ્ટા મેસ્ટરે ગઈકાલે વધતા ફુગાવાને ડામવા માટે ફેડરલ રિઝર્વને વ્યાજદરમાં હજુ વધારો કરવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું, પરંતુ વ્યાજદરમાં વધારાની આક્રમકતા ગત સાલ જેવી નહીં હોય તેમ પણ ઉમેર્યું હતું.