Homeવેપાર વાણિજ્યવૈશ્ર્વિક સોનું એક ટકો તૂટતા સ્થાનિકમાં ₹ ૪૨૫નો ઘટાડો, ચાંદી ₹ ૬૪૩...

વૈશ્ર્વિક સોનું એક ટકો તૂટતા સ્થાનિકમાં ₹ ૪૨૫નો ઘટાડો, ચાંદી ₹ ૬૪૩ ગબડી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો આવી ગયાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૨૩થી ૪૨૫નો ઘટાડો આવ્યો હતો, જેમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૬૦,૦૦૦ની અંદર ઊતરી ગયા હોવાથી આવતીકાલે અખાત્રીજના સપરમા દહાડે માગમાં થોડો સંચાર જોવા મળે તેવો આશાવાદ બજાર વર્તુળો સેવી રહ્યા છે. વધુમાં આજે વિશ્ર્વ બજાર પાછળ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૬૪૩ ગબડી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં ૦.૮ ટકા જેટલો કડાકો બોલાઈ જતાં સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીમાં નિરુત્સાહ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૪૩ના ઘટાડા સાથે રૂ. ૭૪,૭૭૩ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં નરમાઈ ઉપરાંત સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૨૩ ઘટીને રૂ. ૫૯,૯૫૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૨૫ ઘટીને રૂ. ૬૦,૧૯૧ના મથાળે રહ્યા હતા. આજે અખાત્રીજ પૂર્વે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીથી સાધારણ નીચે રહેતાં અખાત્રીજની માગ શુકન પૂરતી જ રહે તેવી ધારણા જ્વેલરો મૂકી રહ્યા છે.
આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પર્ચેઝિંગ મૅનૅજર્સ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ હોવાથી સોનામાં રોકાણકારોની લેવાલી પાંખી રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી એક ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૯૮૪.૮૯ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૨ ટકાના ઘટાડા સાથે ૧૯૯૫.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪.૯૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૮૮.૨૨ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી એક ટકો ઘટીને ૧૯૯૯.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૫.૦૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી મે મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા ૮૨.૬ ટકા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, ક્લેવલેન્ડ ફેડના પ્રમુખ લોરેટ્ટા મેસ્ટરે ગઈકાલે વધતા ફુગાવાને ડામવા માટે ફેડરલ રિઝર્વને વ્યાજદરમાં હજુ વધારો કરવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું, પરંતુ વ્યાજદરમાં વધારાની આક્રમકતા ગત સાલ જેવી નહીં હોય તેમ પણ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -